Western Times News

Gujarati News

પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, કેટલાંક ગામો સંપર્કવિહોણા!

ખેડાના ગળતેશ્વરમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો: ૪૬થી વધુ તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી

 ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોને અવરજવરમાં હાલાકી,  વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરીયાતોને મુશ્કેલી-ડાઈવર્ઝન પાસેનું ગરનાળું તૂટી જતાં રસ્તાને ભારે નુકસાન માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ

ડાઈવર્ઝન પાસેનું ગરનાળું તૂટી જતાં રસ્તાને ભારે નુકસાન માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ-ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોને અવરજવરમાં હાલાકી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરીયાતોને મુશ્કેલી

અમદાવાદ, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હવે વધુ પ્રબળ બની છે અને મેઘરાજાએ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ કરી દીધો છે. ગઈકાલે મોડી રાતથી લઈને ૧૯મી જૂન વહેલી સવાર સુધીમાં પંચમહાલ, છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. અસહ્ય ઉકળાટ અને ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના ૮ કલાકમાં જ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરતાં ૪૬ તાલુકામાં મેઘમહેર વરસાવી હતી.

પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં હાલોલમાં સૌથી વધુ અંદાજે ૪ ઇંચ અને શહેરા તાલુકામાં મોડી રાતથી સવાર સુધીમાં ૩ ઇંચ ઉપરાંત ભારે વરસાદ નોંધાયો છે.

જ્યારે ગોધરામાં મોડી રાતથી સવાર સુધીમાં અંદાજે ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. શહેરના ભુરાવાવ, બામરોલી રોડ સહિત અનેક આંતરિક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો છે. પંચમહાલના કાલોલમાં સવારના ૬ વાગ્યાથી ૨ વાગ્યા સુધીના ૮ કલાકના સમયગાળામાં ૨.૫૨ ઇંચ, ગોધરામાં ૨.૪૮ ઇંચ, મોરવા (હડફ) માં ૧.૮૧ ઇંચ અને ઘોઘંબામાં ૧.૬૯ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

બીજી બાજુ સૌથી વધુ વરસાદ અત્યાર સુધીના ચાર કલાકના સમયાગાળમાં ખેડાના ગળતેશ્વર તાલુકામાં ૨.૯૧ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો.

શહેરના મુખ્ય બજાર, કસ્બા વિસ્તાર, રાજપૂત ફળિયા તેમજ એસટી ડેપો સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્‌યો હતો. વહેલી સવારે વરસાદ તૂટી પડવાના કારણે શાક માર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી, જેનાથી વહેલી સવારના જનજીવન પર થોડી અસર થઈ હતી. બીજી તરફ બોડેલી પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચાચક, ઢોકલીયા, ઝાખરપુરા, માંકની, જબુગામ અને કકરોલિયા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. જાફરાબાદના દરિયાઈ કાંઠા પંથકના ગામોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જાફરાબાદ પંથકના હેમાળ, કડિયાળી, વઢેરા અને બાબરકોટ સહિતના ગામોમાં વહેલી સવારે વરસાદ પડ્‌યા બાદ ફરી વરસાદી માહોલ બંધાયો હતો. અહીં પડી રહેલા ધીમીધારના વરસાદના કારણે અસહ્ય બફારાથી મુક્તિ મળી છે અને ખેડૂતો આગામી વાવણીના આયોજનમાં વ્યસ્ત બન્યા છે.

વડોદરા જિલ્લામાં ચોમાસાના પહેલા જ વરસાદે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ગઈ મોડી રાત્રે સાવલી તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે પાણીના તીવ્ર વહેણને કારણે ધનતેજ અને સધાપુરા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું નાળું ધોવાઈ ગયું છે.

આ ઘટનાને પગલે આસપાસના અનેક ગામોનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે સાવલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ દરમિયાન ધનતેજ-સધાપુરા રોડ પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તે રસ્તા વચ્ચેના નાળાને વહાવી ગયો હતો. નાળું તૂટી જતાં રસ્તો વચ્ચેથી ફંટાઈ ગયો છે અને વાહનોની અવરજવર માટે લાયક રહ્યો નથી. આ માર્ગ બંધ થઈ જવાથી ધનતેજ અને સધાપુરાની આસપાસના ૧૦થી વધુ ગામોના લોકોને સીધી અસર થઈ છે. જ્યાં સુધી તંત્ર દ્વારા આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે, ત્યાં સુધી સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી પડશે.

ખાસ કરીને શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, રોજગાર માટે જતા નોકરીયાતો અને વેપારીઓ અને પોતાનો માલ બજાર સુધી પહોંચાડતા ખેડૂતો હેરાન છે. આ તમામ વર્ગના લોકોને હવે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે લાંબો પ્રવાસ ખેડીને, દૂરના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.