Western Times News

Gujarati News

ભારતમાં મળ્યો સોનાનો ખજાનો! આ રાજ્યમાં 50 ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ, કિંમત જાણીને ચોંકી જશો

પ્રતિકાત્મક

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો-આંધ્રપ્રદેશમાં પૃથ્વીના પેટાળમાંથી નીકળશે રૂ. ૯૦૦૦ કરોડનું સોનું, વિદેશ પરની નિર્ભરતા ઘટશે-કુર્નૂલના જોન્નાગિરીમાં પૃથ્વીના પેટાળમાંથી મળ્યું સોનું: હજુ અન્ય ૪ જગ્યાએ પણ ખોદકામ શરૂ, બદલાશે દેશનું નસીબ

(એજન્સી) અમરાવતી, સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આકાશને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી ગામમાં અંદાજે ૫૦ ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. 50-ton-gold-treasure-found-in-andhra-pradesh-kurnool

આ મોટી શોધ બાદ આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનો સૌથી મોટો સપ્લાયર પક્ષ બનીને ઉભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાની આયાત(ઇમ્પોર્ટ) પર ભારતની નિર્ભરતા પણ ઘણી ઓછી થશે. માઇન્સ વિભાગના અગ્ર સચિવ (પ્રિન્સિપલ સેક્રેટરી) મુકેશ કુમાર મીણાએ એક પત્રકાર પરિષદમાં આ અંગેની મહત્ત્વની વિગતો શેર કરી હતી.

તેમણે જણાવ્યું કે, એકલા જોન્નાગિરીમાં જ અંદાજે ૫૦ ટન સોનું મોજૂદ હોવાનો અંદાજ છે. સ્થાનિક બજારમાં આ સોનાની અંદાજિત કિંમત આશરે રૂ.૭,૫૦૦ કરોડથી લઈને રૂ.૯,૦૦૦ કરોડની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. લગભગ એક દાયકા પહેલા આ ગામમાં માઇનિંગ માટે ૧,૫૦૦ એકર જમીન ફાળવવામાં આવી હતી. હાલમાં માત્ર ૫૦૦ એકર જમીન પર જ ખોદકામ અને સંશોધન થયું છે, જેમાંથી ૧૩ ટન સોનાનો અંદાજ મળ્યો છે અને બાકીની ૧,૦૦૦ એકર જમીન પર શોધખોળ થતાં આ આંકડો ૫૦ ટન સુધી પહોંચી જશે.

રાજ્ય સરકાર આ ખનિજ-સમૃદ્ધ વિસ્તારોના વધુ વિકાસ માટે પ્લાનિંગ કરી રહી છે. મુકેશ કુમાર મીણાના જણાવ્યા અનુસાર, સોનાના માઇનિંગ માટે જોન્નાગિરી ઉપરાંત અન્ય ચાર સંભવિત જગ્યાઓની પણ ઓળખ કરવામાં આવી છે. આ યાદીમાં રામાગિરી, જવ્વકુલા, ચિગુરુકુંટા અને બિસ્નાટમનો સમાવેશ થાય છે. સોનાનું માઇનિંગ એ ખૂબ જ મોટું રોકાણ અને અત્યાધુનિક ટૅક્નોલાજી માંગી લેતું કામ હોવાથી, સરકારે પારદર્શક ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ માઇનિંગ રાઇટ્‌સ ખાનગી પ્લેયર્સને સોંપ્યા છે.

આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ અને ભારતની માઇનિંગ મહત્ત્વાકાંક્ષાઓ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જોન્નાગિરી ગોલ્ડ પ્રોજેક્ટમાં કોમર્શિયલ પ્રોડક્શન(વ્યાપારી ઉત્પાદન)ની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.