બંગાળની ધરતી પરથી PMએ આપ્યો ખાસ સંદેશ: કોલકાતામાં PM મોદી તો જબલપુરમાં રાષ્ટ્રપતિએ કર્યો યોગાભ્યાસ
કોલકાતામાં પીએમ મોદીએ કર્યો યોગાભ્યાસ -જબલપુરમાં રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી ઃ બંગાળની પવિત્ર ધરતી પર યોગ કરવો એ એક અલગ આધ્યાત્મિક અનુભૂતિઃ પીએમ મોદી
બંગાળની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીની મોટી ગર્જના: “હવે ભારત માત્ર સંરક્ષણ ખરીદદાર નથી, આત્મનિર્ભરતા જ આપણી તાકાત”
કોલકાતા/જબલપુર, સમગ્ર દેશ અને દુનિયામાં રવિવારે ૧૨મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે વિશ્વભરમાં ‘હેલ્ધી એજિંગ માટે યોગ’ (સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) થીમ આધારિત આયોજન કરવામાં આવ્યું છે, જે જીવનના દરેક તબક્કે સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે.
આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઐતિહાસિક રેડ રોડ પર હજારો નાગરિકો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. બીજી તરફ, મધ્યપ્રદેશના જબલપુરમાં આયોજિત મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી યોગાસનો કર્યા હતા.
કોલકાતામાં જનમેદનીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “યોગ દિવસના અવસરે આજે બંગાળની ધરતી પર હોવું ખૂબ જ વિશેષ છે. આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન રામકૃષ્ણ પરમહંસ જેવા સિદ્ધ સંતોએ અવતાર લીધો અને જ્યાંથી નીકળીને સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વને યોગનો પરિચય કરાવ્યો. આ મહર્ષિ અરવિંદ જેવા મહાન યોગીની જન્મભૂમિ છે. આજે આ ધરતી પર સામૂહિક યોગનો અનુભવ એક અલગ આધ્યાત્મિક દિવ્યતા પ્રદાન કરે છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, યોગ માત્ર આસન નથી પરંતુ માનવીય એકતાનો આધાર છે. યોગ હવે માત્ર વ્યક્તિગત જીવનશૈલી પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિશ્વના બહેતર ભવિષ્ય માટે એક અનિવાર્ય આવશ્યકતા બની ગયો છે. ૨૧ જૂન એ પૃથ્વી પરનો સૌથી લાંબો દિવસ હોય છે અને યોગ દિવસના કારણે હવે આ દિવસ વિશ્વના સૌથી મોટા સામૂહિક ઉત્સવનો દિવસ બની ગયો છે. હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી અને પૂર્વમાં બંગાળથી લઈને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી આજે આખો દેશ યોગની ઉર્જાથી ચૈતન્યવંત બન્યો છે.
મધ્યપ્રદેશના જબલપુર ખાતે આવેલા ગેરિસન ગ્રાઉન્ડમાં ભવ્ય રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપીને રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રગીત બાદ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ, નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા સહિત અનેક કેબિનેટ મંત્રીઓ અને મહાનુભાવોએ સામૂહિક યોગ પ્રોટોકોલ હેઠળ વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા.
આ કાર્યક્રમમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત આશરે ૫,૦૦૦ જેટલા લોકોએ એકસાથે યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન અને અમૂલ્ય ધરોહર છે, જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. ભારતે યોગના માધ્યમથી વસુધૈવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ કરીને વિશ્વને જોડવાનું કામ કર્યું છે અને આજે ૧૭૫થી વધુ દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સમર્થન આપી રહ્યા છે. તેમણે દરેક નાગરિકને પોતાના દૈનિક જીવનમાં યોગને વણી લેવા અપીલ કરી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌસેનામાં ત્રણ અદ્યતન યુદ્ધજહાજો અને સર્વેક્ષણ જહાજોને સામેલ કરવાને નવા ભારતની શક્તિનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે, ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં માત્ર ખરીદદાર બનીને રહેવા નથી માગતું, પરંતુ આત્મનિર્ભરતાના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે

. વડાપ્રધાને કહ્યું કે, આઈએનએસ આઈએનએસ અગ્રય, આઈએનએસ દુનાગિરી અને આઈએનએસ સંશોધક માત્ર જહાજો નથી, પરંતુ તેઓ આત્મનિર્ભર ભારતના સંકલ્પ, ભારતીય ઉદ્યોગોની ક્ષમતા અને દેશના એન્જિનિયરો તેમજ શ્રમિકોની મહેનતનું પ્રતીક છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારતની શક્તિ દુનિયાનું બજાર બનવામાં નથી, પરંતુ આત્મનિર્ભર બનવામાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈપણ દેશની આર્થિક અને વ્યૂહાત્મક શક્તિ તેની દરિયાઈ ક્ષમતા પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે, દુનિયાના મોટાભાગના વેપાર દરિયાઈ માર્ગો દ્વારા થાય છે અને વૈશ્વિક ડેટા નેટવર્ક પણ સમુદ્રની નીચેથી પસાર થાય છે.
આવનારા સમયમાં મહત્વપૂર્ણ ખનિજો, ઊંડા સમુદ્રના સંસાધનો અને નવા ઊર્જા સ્ત્રોતો પણ સમુદ્ર સાથે જ જોડાયેલા હશે. આવા સંજોગોમાં ભારત પોતાની દરિયાઈ શક્તિને સતત મજબૂત કરી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, દુનિયા આ વાતની સાક્ષી છે કે મજબૂત દરિયાઈ ક્ષમતા વિના કોઈ પણ દેશ મહાસત્તા નથી બની શકતો.
