Western Times News

Gujarati News

તમિલનાડુની ફેક્ટરીમાં ગેસ ગળતરથી ૭ લોકોના મોત: ૪૫થી વધુ શ્રમિકો બેભાન

ચેન્નઈ/તિરુવલ્લુર, તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં પેરીપાલયમ નજીક આવેલી એક ફેક્ટરીમાં અમોનિયા ગેસ ગળતર (લીકેજ) થવાના કારણે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ છે.

ગેસની ઝેરી અસરની ચપેટમાં આવવાથી અનેક લોકોની તબિયત લથડી હતી, જેમાંથી સારવાર દરમિયાન ૭ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં ૧૦થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે, જેમને ચેન્નઈની સ્ટેનલી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તિરુવલ્લુર જિલ્લાના પેરીપાલયમ નજીક એક ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરી આવેલી છે, જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય અને સ્થાનિક મજૂરો કામ કરે છે. રોજની જેમ સવારે જ્યારે શ્રમિકો ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પ્લાન્ટમાંથી ઝેરી અમોનિયા ગેસનું ગળતર શરૂ થઈ ગયું હતું. ગેસ હવામાં ફેલાતાની સાથે જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને જોતજોતામાં લોકો ઢળી પડ્‌યા હતા.

આ દુર્ઘટના એટલી ભયાવહ હતી કે ઝેરી ગેસના કારણે ૪૫થી વધુ શ્રમિકો સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરીને તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ગેસની તીવ્ર ઝેરી અસરના કારણે બેભાન થયેલા કેટલાક શ્રમિકોના મોં અને નાકમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું. અત્યાર સુધીમાં કુલ ૭ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં ૬ મજૂરોનો સમાવેશ થાય છે. અન્ય ગંભીર દર્દીઓ ચેન્નઈની સ્ટેનલી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે આ હૃદયદ્રાવક ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. રાજભવન (રાજ્યપાલ કાર્યાલય) દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, “તિરુવલ્લુર જિલ્લાના પેરીયાપલાયમ નજીક ગામમાં સ્થિત ઝીંગા પ્રોસેસિંગ કારખાનામાં થયેલી અમોનિયા ગેસ ગળતરની દુઃખદ ઘટનાથી હું અત્યંત વ્યથિત અને દુઃખી છું, જેમાં કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા શ્રમિકો ઘાયલ થયા છે.”

રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે, “આ મોટી દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ અને હિંમત આપે તેવી પ્રાર્થના છે. સાથે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ શ્રમિકો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી મંગલ કામના કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.