‘ઝેરોક્ષની દુકાનમાં છપાતી હતી 500ની નકલી નોટો’ અને ‘છેડા દિલ્હી સુધી’
AI Image
Patan Fake Currency Racket-ઝેરોક્ષની દુકાનમાં છપાતી હતી ૫૦૦ની નકલી નોટો! પાટણમાં ૨.૪૬ લાખની જાલી નોટો સાથે મુખ્ય સૂત્રધાર ઝડપાયો-મુખ્ય સૂત્રધાર નિકુલજી ઠાકોર અને એક સગીર વયના કિશોરને રંગેહાથ ઝડપી પાડ્યા
(એજન્સી) પાટણ, પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચાણસ્મા પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જિલ્લામાં ચાલી રહેલા નકલી ચલણી નોટો છાપવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પોલીસે ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં આવેલી ‘શિવમ ઇલેક્ટ્રોનિક્સ’ નામની ઝેરોક્ષની દુકાન પર ઓચિંતો દરોડો પાડીને રૂ. ૫૦૦ના દરની ૪૯૨ નકલી નોટો ઝડપી પાડી છે, જેની કુલ કિંમત રૂ. ૨,૪૬,૦૦૦ થાય છે. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી જ કૌભાંડના મુખ્ય સૂત્રધાર નિકુલજી ઠાકોર અને એક સગીર વયના કિશોરને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દેલમાલ ગામમાં આવેલી આ ઇલેક્ટ્રોનિક્સ અને ઝેરોક્ષની દુકાનની આડમાં હૂબહૂ અસલી જેવી દેખાતી રૂ. ૫૦૦ની નકલી નોટો છાપવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પાટણ એલસીબી અને સ્થાનિક પોલીસે સંયુક્ત ટીમ બનાવીને દુકાન પર દરોડો પાડ્યો હતો.
સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે નકલી નોટોના જથ્થા ઉપરાંત ગુનામાં વપરાયેલું હાઈ-ક્વોલિટી કલર પ્રિન્ટર, કમ્પ્યુટર સિસ્ટમ અને એક મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ કૌભાંડના તાર માત્ર ગુજરાત પૂરતા મર્યાદિત ન હોવાનું અને તેના છેડા દિલ્હી તેમજ રાજસ્થાન સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછના આધારે આ નેટવર્કમાં સામેલ અન્ય ત્રણ શંકાસ્પદ આરોપીઓના નામ પણ સામે આવ્યા છે, જેઓ હાલ ફરાર છે.
