“અમદાવાદનાં શાળા છોડનારાઓમાંથી ૯૪ ટકા બાળકોનો શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં સફળતા મળી”: કમિશ્નર
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ : અમદાવાદ શહેર-મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં હાંસોલ પ્રાથમિક શાળામાં ઊજવાયો શાળા પ્રવેશોત્સવ
શાળામાં પુનઃ પ્રવેશ મેળવેલ કોઈ પણ બાળક ફરીથી શાળા છોડી ન દે, તે માટે વિશેષ કાળજી રાખવા મુખ્ય સચિવનો અનુરોધ
મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસના હસ્તે હાંસોલ પ્રાથમિક શાળાની બાલવાટિકામાં ૫૪, ધોરણ -૧માં ૦૯ બાળકો, જ્યારે આંગણવાડીમાં ૪૨ ભૂલકાંઓને પ્રવેશ અપાયો
આ પ્રસંગે હાંસોલ પ્રા. શાળાનાં ૨૩ ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાવાયો –મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા દાતાશ્રીઓનું સન્માન કરાયું
અમદાવાદ, સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬નો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં હાંસોલ પ્રાથમિક શાળા નં. ૧ અને ૨માં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસના હસ્તે હાંસોલ પ્રાથમિક શાળાની બાલવાટિકામાં ૫૪ બાળકોને જ્યારે ધોરણ -૧માં ૦૯ બાળકોને શાળા-પ્રવેશ અપાયો હતો સાથે આંગણવાડીમાં ૪૨ ભૂલકાંઓને પ્રવેશ અપાયો હતો. આમ, કુલ ૧૦૫ જેટલાં ભૂલકાંઓએ શિક્ષણ જગતમાં પગરવ માંડ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૩ ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાવાયો છે.

આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે જણાવ્યું હતું કે આજે જે બાળકો શાળામાં પ્રવેશ કરી રહ્યાં છે, તેઓ જ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતને ચલાવતાં હશે, એટલે જ તેમનું ચરિત્રવાન અને કૌશલ્યવાન વ્યક્તિ તરીકે ઘડતર થવું જરૂરી છે અને એ માટે તેમનું શિક્ષિત-દીક્ષિત થવું મહત્ત્વપૂર્ણ છે. દેશનો ખરો વિકાસ લોકો સ્વસ્થ, શિક્ષિત અને સમૃદ્ધ બને એમાં રહેલો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું કે આપણો દેશ તો સદીઓથી વિકસિત રહ્યો છે. વિશ્વમાં ભારત સોને કી ચીડિયા તરીકે જાણીતો હતો. ભારતની સમૃદ્ધિથી જ પ્રેરાઈને સિકંદર અહીં સુધી સૈન્ય લઈને આવેલો. વિદેશીઓ જ્ઞાન લેવા પણ ભારત આવતા હતા. આક્રાંતોઓના આક્રમણ પછી દેશ ગુલામ થયો અને ગરીબીમાં સપડાયો હતો. હવે સમય અને સંજોગો બદલાયા છે, આજે વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશની આજની નવી ઘણી ભાગ્યશાળી છે. આજે દેશ-દુનિયામાં અનેક નવી નવી તક સર્જાઈ રહી છે. સરકાર દ્વારા સામાન્ય લોકોને અનેક યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા વિવિધ સહાય અને સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં બાળકોને મહેનત, શિસ્ત, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા સદગુણો કેળવવા અને સ્વચ્છ, સ્વસ્થ અને શિક્ષિત બનીને ખુદના અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપવા માટે સમજાવ્યાં હતાં.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે વર્તમાન વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જેનો ઉદ્દેશ બાળાઓને શિક્ષણ આપવાનો હતો… આજે શાળાઓમાં કુમારની સાથે સાથે કન્યાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે, જે આ મહોત્સવની સફળતા દર્શાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
શ્રી પાનીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે આ વર્ષે ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાવવા પર વિશેષ ઝુંબેશ ચલાવેલી, જેમાં મ્યુનિ. કમિશનર અને કલેક્ટરથી લઈને મોટા મોટા અધિકારીશ્રીઓને પણ સામેલ કર્યા હતા. આજે મોટી સંખ્યામાં ડ્રોપઆઉટ બાળકો શાળામાં પુનઃ પ્રવેશ મેળવી રહ્યાં છે, એ આનંદ અને ગૌરવની વાત છે.
શિક્ષિત સમાજ થકી જ વિકસિત રાષ્ટ્ર બની શકે, એવું જણાવીને શ્રી પાનીએ ઉમેર્યું હતું કે અમદાવાદમાં ૫૧ હજાર બાળકોએ શાળા છોડી હતી, જેમાંથી ૯૪ ટકા બાળકોનો શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં સફળતા મળી છે, એ અમદાવાદ માટે ગૌરવની બાબત છે.
શિક્ષણ થકી બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરી શકાય છે. બાળક ક્લાસમાં ફર્સ્ટ હોવું જરૂરી નથી, પરંતુ હાજર હોવું ખૂબ જ જરૂરી છે, એમ જણાવીને તેમણે ઉપસ્થિત વાલીઓને પોતાનાં બાળકોને નિયમિત શાળાએ મોકલવા અનુરોધ કર્યો હતો.
મુખ્ય સચિવશ્રી સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી તેમજ એસએમસીના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. બાળકો દેશનું ભવિષ્ય છે, તેમના વિકાસ માટે સંપૂર્ણ સહયોગ આપવા શ્રી એમ.કે. દાસે અનુરોધ કર્યો હતો. શ્રી દાસે એસએમસીની બેઠકમાં શાળામાં પુનઃ પ્રવેશ મેળવેલ કોઈ પણ બાળક ફરીથી શાળા છોડી ન દે, તે માટે વિશેષ કાળજી રાખવા માટે પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ, સૌથી વધારે હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ, જ્ઞાનસેતુ પરીક્ષાઓમાં સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓ તેમજ શાળાને દાન આપનારા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શાળાને પાઠવવામાં આવેલા પત્રનું પઠન પણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયો પર વક્તવ્ય રજૂ કરાયાં હતાં. આ પ્રસંગે બાળકોની સાથે સૌએ માર્ગ સલામતી માટે સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે ડે.મ્યુનિ. કમિશનર શ્રી વિશાલ ખનામા, શાસનાધિકારી શ્રી એલ.ડી. દેસાઈ, નાયબ શાસનાધિકારી શ્રી ડૉ. પરિમલ પટેલ, સ્થાનિક કોર્પોરેટર શ્રી કમલેશ પટેલ, હાંસોલ પ્રાથમિક શાળા નંબર ૧ અને ૨ના આચાર્ય સુશ્રી શર્મિષ્ઠાબહેન પટેલ તથા શ્રી હર્ષદભાઈ પટેલ, એસ.એમ.સીના સભ્યો, વાલીગણ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
