રાજસ્થાનમાં કરા પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યુંઃ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને વિદર્ભમાં હીટવેવની આગાહી
૧૫ દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસુ
નવી દિલ્હી, દેશભરમાં હાલ હવામાનના બે અલગ-અલગ સ્વરૂપ જોવા મળી રહ્યા છે. ૧૫ દિવસ સુધી છત્તીસગઢ સરહદે અટકેલા માનસૂને આખરે દંતેવાડાના રસ્તે રાજ્યમાં એન્ટ્રી કરી લીધી છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં આ ચોમાસું રાજ્યના અન્ય જિલ્લાઓને પણ કવર કરી લેશે, જેના પગલે બસ્તર ડિવિઝનમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
બીજી તરફ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયના મોસિનરામમાં રવિવારે આભ ફાટ્યું હોય તેમ ૨૪ કલાકમાં જ ૫૩૦ મીમી વરસાદ ખાબક્્યો હતો, જે રાજસ્થાનના જોધપુર અને બીકાનેરમાં ૬ મહિનામાં પડતા કુલ વરસાદ બરાબર છે. આ સિવાય રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રવિવારે જોરદાર કરા પડ્યા હતા.
તમિલનાડુના થૂથૂકોડીમાં રવિવારે આવેલા ચક્રવાતને શરૂઆતમાં ટોર્નેડો માનવામાં આવી રહ્યો હતો, પરંતુ હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આ ઘટના માત્ર ધૂળનું એક મોટું ભવંડર હતું. દક્ષિણ તમિલનાડુની ઉપર સમુદ્ર સપાટીથી આશરે ૩.૧ કિલોમીટરની ઊંચાઈએ ટ્રફ લાઈન સક્રિય હોવાથી અને લો પ્રેશરના કારણે થૂથૂકોડીમાં ગાજવીજ સાથે ક્્યુમ્યુલોનિમ્બસ વાદળો બંધાયા હતા. આ વાદળોની નીચે ફૂંકાયેલા અત્યંત શક્તિશાળી પવનોએ ધૂળનો એક લાંબો સ્તંભ જેવો આકાર બનાવ્યો હતો, જે વીડિયોમાં વાદળો સુધી પહોંચતો દેખાતો હતો.
ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણાના વિવિધ વિસ્તારોમાં તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૨.૬ ડિગ્રી સાથે સતત બીજા દિવસે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે કાનપુર, વારાણસી અને પ્રયાગરાજમાં પણ પારો ૪૨ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહારાષ્ટ્રના વિદર્ભમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં સતત ગરમીના કારણે રાતનું તાપમાન પણ ઊંચું રહેતા ૮ જિલ્લામાં રાત્રે પણ લૂ ચાલવાનું એલર્ટ જાહેર કરાયું છે.
દેશમાં ચોમાસાના ૧૨૬ વર્ષના ઈતિહાસમાં આ વર્ષનો જૂન મહિનો બીજો સૌથી સૂકો મહિનો સાબિત થઈ રહ્યો છે. ૨૧ જૂન સુધી દેશમાં માત્ર ૫૭.૪ મીમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતાં ૪૨.૨% ઓછો છે. આ અગાઉ વર્ષ ૨૦૦૯ના જૂન મહિનામાં ક્વોટા કરતાં ૪૯% ઓછો વરસાદ નોંધાયો હતો, જેના કારણે મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ખેતીના પાકને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
આ વર્ષે પણ વરસાદની ખેંચ ચિંતાનો વિષય બની છે. આગામી ૨૩ અને ૨૪ જૂન દરમિયાન આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત સિક્કિમ, ઓડિશા, કેરળ, કર્ણાટક, તેલંગાણા, કોંકણ-ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાના કારણે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ અને ઉત્તરાખંડમાં પ્રી-માનસૂન એક્ટિવિટીના કારણે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને વિદર્ભમાં આગામી ત્રણેય દિવસ હીટવેવનો પ્રકોપ યથાવત રહેશે.
