Western Times News

Gujarati News

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત કરવા મેગા ડ્રાઇવઃ ૪૪ બાળકોનું રેસ્ક્યૂ કરાયું

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારી તંત્ર દ્વારા એક મોટું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી શહેરના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં એક વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સઘન ઝુંબેશ દરમિયાન માર્ગો પર ભીખ માગતા અને આ પ્રવૃત્તિમાં ધકેલાયેલા કુલ ૪૪ જેટલા માસૂમ બાળકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

તંત્રે આ ઓપરેશન માટે અગાઉથી જ આયોજન પૂર્વક આ વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિના મુખ્ય કેન્દ્રો ગણાતા ૪૧થી વધુ હોટસ્પોટ સ્થળોની યાદી તૈયાર કરી હતી. આ તમામ નક્કી કરેલા સ્થળો પર જુદી જુદી ટીમો દ્વારા એકસાથે ત્રાટકીને સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલો અને જાહેર સ્થળો પર ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા અસંખ્ય વ્યક્તિઓ તેમજ બાળકોને ઝડપી પાડી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. રેસ્ક્યૂ કરાયેલા તમામ બાળકોને આગળની કાયદાકીય અને સંરક્ષણાત્મક પ્રક્રિયાના ભાગરૂપે તાત્કાલિક ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

ચાઇલ્ડ વેલ્ફેર સમિતિ સમક્ષ કરાયેલી રજૂઆત અને તેના માર્ગદર્શન બાદ, રેસ્ક્યૂ કરાયેલા કુલ ૪૪ બાળકોમાંથી આશ્રય વિહોણા એવા ૪ બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં આશ્રય અને સુધારણા માટે ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે અન્ય ૪૦ બાળકોની સ્થિતિને ધ્યાને રાખીને, તેમના માતા-પિતા પાસેથી ભવિષ્યમાં બાળકો પાસે ક્યારેય ભિક્ષાવૃત્તિ ન કરાવવાની લેખિત શરત અને કડક બાંહેધરી લઈને તેમના વાલીઓને પરત સોંપવામાં આવ્યા હતા. બાળકો ઉપરાંત આ ઝુંબેશ દરમિયાન ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિમાં સક્રિયપણે સંકળાયેલા કુલ ૧૫ પુરુષો અને ૫ મહિલાઓની પણ અટકાયત કરીને તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટ દ્વારા આ મામલે કડક વલણ અપનાવીને આપવામાં આવેલા કાયદાકીય આદેશ અનુસાર, પકડાયેલા તમામ પુરુષોને ઓઢવ ખાતે આવેલા ભિક્ષુક ગૃહમાં અને મહિલાઓને ડભોડા ભિક્ષુક ગૃહ ખાતે મોકલી આપવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.