ગોધરા સબજેલમાંથી શરૂ થઈ શિક્ષણની સફર: કેદી માતાના ૪ વર્ષના વ્હાલસોયાને મળ્યો આંગણવાડીમાં પ્રવેશ
પ્રતિકાત્મક
માનવતા મહેકી: ગોધરા સબજેલના સ્ટાફે દીકરાની જેમ મોકલી આપ્યો શાળાએ, સરકારના પ્રવેશોત્સવનો હૃદયસ્પર્શી કિસ્સો
(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં આયોજિત “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬” અંતર્ગત ગોધરા સબજેલ ખાતે એક હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણના પ્રથમ પગથિયે દરેક બાળકને જોડવાના ઉદ્દેશ સાથે સબજેલમાં બંદી રહેલી એક કાચી મહિલા આરોપીના ૪ વર્ષીય પુત્ર દશરથ ટીનાભાઈ નાયકને આંગણવાડીમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકર મુન્નીબેન સતીષભાઈ પ્રજાપતી તથા તેડાઘર કાર્યકર પન્નાબેન પટેલ બાળકને લેવા માટે સબજેલ પહોંચ્યા હતા. જેલ અધિક્ષક આર.બી. મકવાણા, જેલ સ્ટાફ, મહિલા સ્ટાફ તેમજ મહિલા યાર્ડમાં રહેલી બંદી મહિલાઓએ બાળકને ઉત્સાહભેર શુભેચ્છાઓ પાઠવી અને શાળા પ્રવેશોત્સવ માટે વિદાય આપી હતી.
આ કાર્યક્રમ દ્વારા શિક્ષણનો અધિકાર દરેક બાળક સુધી પહોંચાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વધુ એક વખત ઉજાગર થઈ હતી.
