PoKમાં પાકિસ્તાની સેનાના દમન સામે JAACનો પ્રચંડ આક્રોશ
JAACએ પાક. વહીવટીતંત્રને આપ્યું ૨૪ કલાકનું અલ્ટીમેટમ
જો પાકિસ્તાન સરકાર JAAC ની માંગણીઓને અવગણશે, તો PoK માં વ્યાપક અશાંતિ ફાટી શકે ર્છેઁ
ઈસ્લામાબાદ,પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સુરક્ષા દળોની તૈનાતી અને કાર્યકરો પર દમન સામે ચાલી રહેલા આંદોલનમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી પ્રદર્શનો ચાલુ છે. હવે જોઇન્ટ આવામી એકશન કમિટી(JAAC)એ પાકિસ્તાની વહીવટીતંત્રને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે.
રાવલાકોટમાં એક વિશાળ જાહેર સભાને સંબોધતા JAAC નેતા સરદાર અમાન કાશ્મીરીએ કહ્યું કે, ‘પ્રદર્શનકારીઓ અત્યાર સુધી શાંતિપૂર્ણ રહ્યા છે અને તેમને હિંસા તરફ ધકેલવા જોઈએ નહીં.’ તેમણે પાકિસ્તાની રેન્જર્સ અને અન્ય સુરક્ષા દળોની વધેલી તૈનાતી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘ઇસ્લામાબાદને કાશ્મીર ખીણમાં લશ્કરી દળ વધારવાનો કોઈ અધિકાર નથી.’સરદાર અમાન કાશ્મીરીએ યુએનના ઠરાવો ટાંકીને સુરક્ષા દળોને પાછા ખેંચવાની માગ કરતા કહ્યું કે, ‘અમે શાંતિપ્રિય લોકો છીએ અને હિંસા તરફ ધકેલવા ન જોઈએ. ફક્ત અમારી માંગણીઓ પૂર્ણ કરો.’
પ્રદર્શનકારીઓએ એક સૂરમાં સૂત્રોચ્ચાર કર્યા કે, ‘આ દેશ અમારો છે.’ તેમણે દબાણ છતાં વિરોધ બંધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દરમિયાન, એક ઓડિયો મેસેજમાં JAAC નેતા શૌકત નવાઝ મીરે મુઝફ્ફરાબાદ ડિવિઝનના લોકોને ૨૩ જૂને સંપૂર્ણ બંધનું કડક પાલન કરવા અને વિરોધના આગામી તબક્કાની તૈયારી કરવા અપીલ કરી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં PoKના ઘણા વિસ્તારોમાં મોટી રેલીઓ યોજાઈ છે, જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો.પ્રદર્શનકારીઓ કેદીઓને મુક્ત કરવાની માગ કરી રહ્યા છે. JAAC નેતાઓનો આરોપ છે કે, પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ છેલ્લા ત્રણ અઠવાડિયામાં ૧,૫૦૦ થી વધુ લોકોની અટકાયત કરી છે.
પાકિસ્તાની રેન્જર્સે રાત્રે શૌકત નવાઝ મીરના ઘરે દરોડા પાડ્યા હતા અને તોડફોડ કરી હતી. જો કે, આ આરોપો પર પાકિસ્તાની વહીવટીતંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વિરોધ પ્રદર્શનની શરૂઆતના કેટલાક વીડિયો સામે આવ્યા હતા. જેમાં પાકિસ્તાની સૈનિકો અને પોલીસ લોકો પર ગોળીબાર કરતા જોવા મળ્યા હતા.જો પાકિસ્તાન સરકાર JAAC ની માંગણીઓને અવગણશે, તો PoK માં વ્યાપક અશાંતિ ફાટી શકે છે.
સ્થાનિક લોકો પહેલાથી જ પાકિસ્તાની શાસનથી અસંતુષ્ટ હોવાનું કહેવાય છે. JAAC ના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, તેઓ તેમની માંગણીઓ માટે સંઘર્ષ ચાલુ રાખશે અને કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં. આ ઘટનાક્રમ PoK માં પાકિસ્તાનના નિયંત્રણ અને સ્થાનિક અસંતોષ વિશે નવા પ્રશ્નો ઉભા કરે છે. આ વધતા તણાવ પર આંતરરાષ્ટ્રીય ધ્યાન પણ કેન્દ્રિત છે. પાકિસ્તાની વહીવટીતંત્ર આ ૨૪ કલાકના અલ્ટીમેટમ પર શું વલણ અપનાવે છે, તે જોવાનું રહ્યું છે.SS1
