Western Times News

Gujarati News

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત્રી 

આ ઉત્તમ કામગીરી બદલ અમદાવાદની SOG પોલીસ તેમજ અધિકારીઓને અભિનંદન પાઠવતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બહાર આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધું છે. આ મામલે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

શ્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે બ્લડ પ્લાઝ્મા જેવી જીવનરક્ષક સામગ્રીમાં ભેળસેળ કરવી અત્યંત ગંભીર અને માનવતાવિરોધી પ્રવૃત્તિ છે. આવા કૃત્યો આરોગ્ય વ્યવસ્થા પ્રત્યે લોકોના વિશ્વાસને નુકસાન પહોંચાડે છેતેથી સરકાર આ મામલે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં બ્લડ બેન્કોપ્લાઝ્મા કલેક્શન સેન્ટરો અને સંબંધિત એકમોની કામગીરી પર વધુ કડક દેખરેખ રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે નિયંત્રણ અને મોનિટરિંગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર કૌભાંડના તથ્યો બહાર આવશે અને જવાબદાર તમામ લોકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈને છોડવામાં નહીં આવે. પારદર્શક અને નિષ્પક્ષ તપાસ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.