સોશિયલ મીડિયાથી દૂર રહી અને કૌશલ્ય વિકાસ દ્વારા જીવનમાં સફળતા હાંસલ કરવા વિદ્યાર્થીઓને અનુરોધ
મુખ્યમંત્રીશ્રીના OSD શ્રી આર. વી. વ્યાસના અધ્યક્ષસ્થાને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, લોયલા હોલ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો
અમદાવાદ, રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, લોયલા હોલ ખાતે મુખ્યમંત્રીશ્રીના OSD શ્રી આર. વી. વ્યાસના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે ધોરણ-9 અને ધોરણ-11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તક કીટ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું.
વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી આર. વી. વ્યાસે જણાવ્યું હતું કે આજના યુગમાં શિક્ષણની સાથે સંસ્કાર, વાંચન અને કૌશલ્ય વિકાસ પણ એટલા જ મહત્વના છે. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે વિદ્યાર્થીઓએ તેનાથી દૂર રહી અભ્યાસ અને વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સારા પુસ્તકોનું વાંચન વ્યક્તિના વિચારોને સમૃદ્ધ બનાવે છે તેમજ બુદ્ધિ અને સર્જનાત્મકતાનો વિકાસ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિમાં વિશિષ્ટ પ્રતિભા અને શક્તિઓ રહેલી છે. જીવનમાં સફળતા માત્ર શૈક્ષણિક પરિણામો પર આધારિત નથી, પરંતુ મહેનત, આત્મવિશ્વાસ, કૌશલ્ય અને સકારાત્મક અભિગમ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે. વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતાઓને ઓળખી તેને વિકસાવવાનો સતત પ્રયાસ કરવો જોઈએ.
શ્રી વ્યાસે દીકરીઓના શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે આજે દીકરીઓ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે અને સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને વ્યસનોથી દૂર રહી સ્વાભિમાન, શિસ્ત અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે માતા-પિતા અને શિક્ષકોના માર્ગદર્શન, ત્યાગ અને સમર્પણનું સન્માન કરવું દરેક વિદ્યાર્થીની ફરજ છે. સારા મિત્રો, સારા પુસ્તકો અને સારા વિચારો વ્યક્તિને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ બને છે. જીવનમાં સારા નાગરિક તરીકેની જવાબદારી નિભાવવી પણ એટલી જ જરૂરી છે.
આ પ્રસંગે શૈક્ષણિક, રમત-ગમત, કલા અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ શ્રી એચ. એમ. પટેલ અને શ્રી ભરતદાન ગઢવી, ફાધર પેટ્રીક, શાળાના આચાર્ય શ્રીમતી જસ્મીનબેન, શિક્ષકગણ, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
