Western Times News

Gujarati News

જેલવાસ દરમિયાન ધોરણ-૧૦-૧૨ની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર બંદિવાનોને પ્રમાણપત્રો એનાયત કરાયા

સી.આઈ.ડી. ક્રાઈમ અને જેલ DGP ડૉ. કે.એલ.એન. રાવે સુરતની લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત લીધી

જેલ ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ  સાથે બેઠક યોજીને વહીવટી પ્રક્રિયાઓને સુદ્રઢ અને સુચારુ બનાવવા જરૂરી સૂચનો કર્યા

Surat, સી.આઈ.ડી. ક્રાઈમ અને જેલ DGP ડૉ. કે.એલ.એન. રાવે સુરતની લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જેલની કાયદો-વ્યવસ્થા અને બંદિવાનોના કલ્યાણ અર્થે ચાલતી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. વહીવટી પ્રક્રિયાઓને વધુ સુદ્રઢ અને સુચારુ બનાવવા માટે તેમણે જેલ ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો અને રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 વહીવટી સમીક્ષા બાદ DGP ડૉ. કે.એલ.એન. રાવે લાજપોર જેલના જુદા જુદા વિભાગો તેમજ કેદીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. જેલવાસ દરમિયાન સખત પરિશ્રમ અને સકારાત્મક અભિગમ સાથે અભ્યાસ કરી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર બંદિવાનોને ડો. રાવના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

 તેમણે તમામ સફળ બંદિવાનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવન સુધારણાનું સૌથી મોટું માધ્યમ છે. તેમણે કેદીઓને જેલમુક્તિ બાદ સમાજના મુખ્ય પ્રવાહમાં સન્માનભેર ભળવા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રગતિ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.