ધંધો કરવા ઓનલાઈન મશીન ખરીદવા જતાં યુવકને અમદાવાદના બે ઈસમોએ છેતર્યો
સોડા જ્યુસના ધંધા માટે મશિન ખરીદવા માંગતો ઉમલ્લાનો યુવક છેતરાયો
(પ્રતિનિધી) ભરૂચ, હાલ ઈન્ટરનેટ આધારિત સોશ્યલ મિડીયાના વધેલા વ્યાપે મોટાભાગના કામ સોશ્યલ મિડીયાના માધ્યમથી થતા હોય છે, વળી વિવિધ ચીજવસ્તુઓના વેચાણ માટે પણ સોશિયલ મિડીયા આધારિત વિવિધ માધ્યમો પર મુકવામાં આવેલ જાહેરાતો જોઈને પોતાને જોઈતી વસ્તુઓ લોકો ખરીદતા પણ હોય છે.
પરંતું ઘણીવાર આમાં કોઈ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત થતો હોવાની ઘટનાઓ પણ બહાર આવતી હોય છે. ત્યારે હાલ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા (દુ.વાઘપુરા) ગામના એક યુવક સાથે સોશ્યલ મિડિયાના માધ્યમથી સોડા જ્યુસ બનાવવાના મશિનની ખરીદી કરવા બાબતે વિશ્વાસઘાત થયો હોવાની ઘટના બનતા યુવક દ્વારા ઉમલ્લા પોલીસ મથકમાં તેની સાથે કથિત વિશ્વાસઘાત કરનાર અમદાવાદના બે ઈસમો સામે ફરિયાદ લખાવવામાં આવી હતી.
View this post on Instagram
આ અંગે ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના ઉમલ્લા (દુ.વાઘપુરા) ગામે રહેતા મોહંમદસલીમ ઈબ્રાહિમભાઈ ખત્રી અને તેના નાનાભાઈ નબીલએહમદને સાતેક મહિના અગાઉ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ગામે તેમની માલિકીની દુકાનમાં ફાઉન્ટેન સોડા અને જ્યુસનો ધંધો કરવો હોઈ તેમને સોડાના મશિનની જરૂર હતી.
દરમ્યાન નબીલ એહમદે સોશ્યલ મિડીયા પર સર્ચ કરતા ફેસબુક પર અમદાવાદના તૌફિક ચશ્માવાલાના રિલાએબલ વર્લ્ડ નામના માર્કેટ પ્લેસ પર સોડા બનાવવા માટેના ઓટોમેટિક મશિનની જાહેરાત જોવા મળી હતી.
ત્યાર બાદ તેમણે જાહેરાતના માધ્યમથી સંપર્ક કરતા ત્યાંથી મોબાઈલ નંબરો મોકલી તેના પર સંપર્ક કરવા જણાવ્યું હતું. તેથી મોહંમદસલીમ અને તેના ભાઈ નબીલએહમદ દ્વારા સદર મોબાઈલ નંબર પર સંપર્ક કરતા તે લોકોએ વોટ્સ એપ પર મશિનને લગતા વિડીઓ અને ફોટા મોકલ્યા હતા. ત્યારબાદ આ મશિન પોતાના ધંધા માટે યોગ્ય છે એમ લાગતા તેમણે મશિનનું ભાવપત્રક મંગાવ્યું હતું, જેમાં મશિનની કિંમત રૂપિયા ૩૫૧૬૪૦૦ હોવાનું તૌફિકભાઈએ જણાવ્યું હતું.
મશિન ખરીદવા માટે મોહંમદ સલીમ ખત્રીએ બેન્ક ઓફ બરોડા દેવલીયા શાખામાંથી રિલાએબલ એન્ટરપ્રાઈઝના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવીને તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ નારોજ તૌફિક ચશ્માવાલાના મોટાભાઈ અને રિલાએબલ એન્ટરપ્રાઈઝના માલિક મોહંમદઆરીફ ઐયુબભાઈ ચશ્માવાલાની અમદાવાદ દાણીલિમડા સ્થિત ઓફિસે જઈને તેની સાથે મુલાકાત કરીને રૂપિયા ૩૫,૧૬,૪૦૦ નો બેન્ક ડ્રાફ્ટ મશિનની ખરીદી પેટે આપ્યો હતો.
તે લોકોએ બે ત્રણ દિવસમાં મશિનની ડિલીવરી મળી જશે એમ જણાવ્યું હતું.પરંતું ત્યાર બાદ મશિનની ડિલિવરી નહિ થતા મોહંમદસલીમ ખત્રીએ ફોનથી મશિનની ડિલીવરી બાબતે પુછતા યોગ્ય જવાબ મળ્યો નહતો, તેથી મોહંમદસલીમ અને તેના ભાઈએ ચારથી પાંચ વખત અમદાવાદ તેમની ઓફિસે જઈને સંપર્ક કરી પોતાની રકમ પાછી માંગતા તે લોકોએ ફક્ત રૂપિયા ત્રણ લાખ પરત આપ્યા હતા.
ત્યાર બાદ બાકી નીકળતા રૂપિયા ૩૨,૧૬,૪૦૦ અથવા મશિનની ડિલિવરી નહિ મળતા મોહંમદસલીમ ખત્રી રહે.ગામ ઉમલ્લા (દુ.વાઘપુરા) તા.ઝઘડિયા જી.ભરૂચનાને પોતાની સાથે રૂપિયા ૩૨,૧૬,૪૦૦ જેટલી માતબર રકમનો વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા તેણે આરીફ ઐયુબભાઈ તેમજ તૌફિક ઐયુબભાઈ ચશ્માવાલા બન્ને રહે. નારોલ રોડ, દાણીલિમડા અમદાવાદના વિરૂધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
