બારિયા સબજેલમાં મોબાઇલ, સિગારેટ-બીડી સહિત પ્રતિબંધિત સામગ્રી કેવી રીતે પહોંચી?
(પ્રતિનિધિ)ગોધરા, દાહોદ અને દેવગઢ બારિયા સબજેલમાં અલગ-અલગ સમયે કરવામાં આવેલી ઓચિંતી તપાસ દરમિયાન પ્રતિબંધિત સામગ્રી મળી આવતા જેલ પ્રશાસનમાં ચકચાર મચી ગઈ છે. બંને બનાવોમાં સંબંધિત કેદીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના ડોકી સ્થિત સબજેલમાં જેલ સ્ટાફ દ્વારા નિયમિત જનરલ રાઉન્ડ દરમિયાન યાર્ડ નંબર-૨ની બેરેક નંબર-૬માં રાખવામાં આવેલા ત્રણ કેદીઓની હિલચાલ શંકાસ્પદ જણાતા નોન-લિનિયર જંક્શન ડિટેક્ટર મશીનની મદદથી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેરેક નજીકના ઘાસમાં સંતાડેલો એક મોબાઇલ ફોન, ૧૦ સિગારેટ, ૨૦ બીડી તેમજ બુધાલાલ તમાકુની બે પડીકીઓ મળી આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં કેદી ગણેશ તાનસિંગ ડામોરે સુરજ રમેશ કેશી અને પરીક્ષિત રાજુભાઈ બલદાનાના કહેવાથી આ પ્રતિબંધિત વસ્તુઓ સંતાડી હોવાનું કબૂલ્યું હતું. આ અંગે દાહોદ રૂરલ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા તથા પ્રિઝન એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, અમદાવાદ જેલ મહાનિદેશકની કચેરીની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દેવગઢ બારિયા સબજેલમાં કરવામાં આવેલી સરપ્રાઇઝ તપાસ દરમિયાન બેરેક નંબર-૭માંથી એક બિનવારસી મોબાઇલ ફોન મળી આવ્યો હતો.
ઉપરાંત બેરેક નંબર-૮માંથી દવાની પાકીટમાં ચતુરાઈપૂર્વક છુપાવેલું સિમકાર્ડ પણ ઝડપાયું હતું.
આ મામલે કાચા કામના આરોપી અજય ઉર્ફે અજુ સુરેશચંદ્ર બડદવાલે સિમકાર્ડ પોતાનું હોવાનું સ્વીકાર્યું હોવાનું સામે આવ્યું છે. દેવગઢ બારિયા પોલીસે પણ આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જેલોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ મહાનિદેશક (જેલ)ના આદેશથી સમયાંતરે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા અચાનક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. આ દરમિયાન તમામ બેરેક, કેદીઓનો સામાન તેમજ સમગ્ર જેલ પરિસરની સઘન તપાસ કરવામાં આવે છે. તપાસ દરમિયાન કોઈપણ પ્રતિબંધિત સામગ્રી મળી આવે તો સંબંધિત કેદીઓ ઉપરાંત તેમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
