Western Times News

Gujarati News

ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોના અંતિમ સંસ્કારમાં આખું ગામ ઉમટ્યું

અમદાવાદ ફટાકડાની ફેકટરીમાં મૃતકના પરિવારમાં શોક

(પ્રતિનિધિ)ગોધરા, અમદાવાદમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. રોજગારીની આશાએ અમદાવાદ ગયેલા શ્રમિક પરિવાર પર આવી પડેલી આ દુર્ઘટનાએ સમગ્ર ગામને હચમચાવી દીધું છે.

દુર્ઘટનામાં ભરત ચારેલની પત્ની રમીલાબેન ચારેલ, પુત્રીઓ રીંકુબેન, શિવાનીબેન અને રવિનાબેન, તેમજ એકમાત્ર પુત્ર નીરવ ચારેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પરિવારના મોભી ભરત ચારેલ ગંભીર રીતે દાઝી જતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
આ ઉપરાંત સંજેલી તાલુકાના પિછોડા ગામના પતિ-પત્ની પણ આ જ ફેક્ટરીમાં કામ કરતા હતા. તેઓ પણ બ્લાસ્ટમાં દાઝી જતાં હાલમાં અમદાવાદમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોના પાંચેય મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે ગોવિંદાતળાઈ ગામ લાવવામાં આવતા પરિવારજનો અને ગ્રામજનોના હૃદયદ્રાવક આક્રંદથી આખું ગામ ગમગીન બની ગયું હતું. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પુરવઠા મામલતદાર, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક તંત્રના અધિકારીઓ મૃતકોના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી અને સરકાર દ્વારા મળવાપાત્ર આર્થિક સહાય વહેલી તકે મળે તે માટે જરૂરી વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

એક જ પરિવારના પાંચ સભ્યોની અંતિમ યાત્રામાં સમગ્ર ગોવિંદાતળાઈ ગામ જોડાયું હતું. ગામમાં શોકમય વાતાવરણ વચ્ચે મૃતકોને અંતિમ વિદાય આપવામાં આવી હતી. પરિવારના વડીલ વરસિંગ ચારેલે પોતાની પુત્રવધુ અને ચાર પૌત્ર-પૌત્રીઓને અગ્નિદાહ આપતાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.

વરસિંગ ચારેલે જણાવ્યું કે તેમનો પુત્ર ભરત છેલ્લા છ વર્ષથી પરિવાર સાથે અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં રોજગારી માટે કામ કરતો હતો. પરંતુ એક જ ક્ષણમાં થયેલા બ્લાસ્ટે આખો પરિવાર છીનવી લીધો. આ કરુણ ઘટનાએ માત્ર ચારેલ પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર ગોવિંદાતળાઈ ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.