Western Times News

Gujarati News

સુશાસન અને આધુનિક પડકારો સામે વહીવટી તંત્રને સક્ષમ બનાવતી સરકારની દીર્ઘદૃષ્ટિ : ડો.બી.બાલા ભાસ્કર

SPIPA ખાતે ‘અટલ વ્યાખ્યાનમાળા’ અંતર્ગત પૂર્વ રાજદૂત ડો.બી.બાલા ભાસ્કરનું ‘પશ્ચિમ એશિયામાં વિકાસ અને ભારત પર યુદ્ધની અસર’ વિષય પર માહિતીપ્રદ સંબોધન

Ahmedabad, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, અમદાવાદ દ્વારા આયોજિત ‘અટલ વ્યાખ્યાનમાળા’ અંતર્ગત નિવૃત્ત રાજદ્વારી અને નોર્વે ખાતે ભારતના પૂર્વ રાજદૂત ડો.બી.બાલા ભાસ્કરે ઉપસ્થિત રહી, ‘પશ્ચિમ એશિયામાં વિકાસ અને ભારત પર યુદ્ધની અસર’ વિષય પર પોતાનો વહીવટી અને રાજદ્વારી અનુભવોનો નીચોડ રજૂ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે કોઈ પણ લોકશાહી વ્યવસ્થામાં નાગરિક પ્રથમનો ભાવ પાયાના પથ્થર સમાન છે. સિવિલ સર્વિસના અધિકારીઓએ દેશ અને રાજ્યના આર્થિક તથા માળખાકીય વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા સાથે આધુનિક પડકારો સામે નીતિવિષયક નિર્ણયો કેવી રીતે લેવા જોઈએ, તે અંગે તેમણે પોતાના વૈશ્વિક અનુભવોના ઉદાહરણો દ્વારા સચોટ માર્ગદર્શન આપ્યું હતું. 

આજે સમગ્ર વિશ્વ જ્યારે એક ઐતિહાસિક અને અત્યંત જટિલ ભૂ-રાજકીય (geopolitical) પરિવર્તનોના દોરમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયા અને ખાડી દેશોનું ભારત માટેનું વ્યૂહાત્મક મહત્વ અસાધારણ છે. સામાન્ય રીતે લોકો આ ક્ષેત્રને માત્ર ભારતીય શ્રમિકોની રોજગારી પૂરતું મર્યાદિત સમજે છે, પરંતુ વાસ્તવમાં આ વિસ્તાર ભારતની ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને દેશના ચૂકવણી સંતુલન (balance of payment) માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 

ડો. બાલા ભાસ્કરે જણાવ્યું કે દેશની શ્રેષ્ઠ રિફાઇનરીઓ દ્વારા ડીઝલ અને પેટ્રોલની ઉચ્ચ ગુણવત્તાવાળું ક્રૂડ ઓઇલ વૈશ્વિક બજારોમાં નિકાસ થાય છે, જેનો સીધો ફાયદો દેશની અર્થવ્યવસ્થાને થાય છે. ભારતની કૃષિ અને ખાદ્ય સુરક્ષા પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું કે, દેશને વાર્ષિક અંદાજે ૭૦ મિલિયન ટન ખાતરની જરૂર પડે છે. જેમાં યુરિયા બનાવવા માટે અનિવાર્ય એવું ‘રોક ફોસ્ફેટ’ વિશ્વમાં માત્ર ત્રણ મોરોક્કો, જોર્ડન અને ટ્યુનિશિયા માં જ ઉપલબ્ધ છે. આમ, હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધ કે અશાંતિથી ભારતની ખાદ્ય સુરક્ષા સીધી જોખમાય છે.

અમેરિકા કે યુરોપ જતા ભારતીયો ત્યાં જ રોકાણ કરી સ્થાયી થવાનું વલણ ધરાવે છે, જ્યારે ગલ્ફ દેશોમાં કામ કરતા ભારતીયો પોતાની તમામ બચત ભારત પાછી મોકલે છે. દેશમાં વાર્ષિક આશરે ૧૩૫ થી ૧૫૦ બિલિયન ડોલરનું આ વિદેશી નાણું (Remittance) આવે છે. એક સર્વે અનુસાર, ભારતના આશરે ૫ કરોડ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગલ્ફમાંથી આવતી આ રકમ પર પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે સરકારે દેશમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ કોલસાનો ઉપયોગ કરવા માટે મોટા પાયે કોલ ગેસિફિકેશન‘ (Coal Gasification) પ્રોજેક્ટ્સ તરફ કદમ વધાર્યા છે, જે ભવિષ્યમાં ભારતને ઊર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશે.ગલ્ફ ક્ષેત્રની આ ભૌગોલિક-રાજકીય ગતિશીલતા (Geopolitical Dynamics) ને સમજવી એ ભારતના સુશાસન અને વિદેશ નીતિના ઘડતર માટે અનિવાર્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ વ્યાખ્યાનમાં SPIPA ના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક, સંયુક્ત સચિવ શ્રીમતિ ઋતા ભટ્ટ, સંયુક્ત નિયામક એ.એ.ડોડીયા, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રીમતિ ધરતી શાહ, વરિષ્ઠ અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો તથા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.