Western Times News

Gujarati News

ઈલેક્ટ્રોથર્મ સામે રૂ. ૬૩૧.૯૭ કરોડની બેંક છેતરપિંડી: ED દ્વારા શૈલેષ ભંડારી અને મુકેશ ભંડારી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ

File Photo

ઈડી દ્વારા સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં ફરિયાદ દાખલ, બોગસ બિલિંગ અને શેલ કંપનીઓ ઉભી કરી કરોડો રૂપિયા રોકડા ઉપાડ્યા

ફેઝ-IV વિસ્તરણ માટે બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લીધેલી રૂ. ૧૦૦ કરોડની લોન અન્ય બેંકોના જૂના દેવા ચૂકવવા ડાયવર્ટ કરી દીધી

અસહકાર આપતા શૈલેષ ભંડારીની મર્સિડીઝ સહિત રૂ. ૩૮.૩૧ કરોડની અસ્કયામતો જપ્ત

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન દ્વારા વર્ષ ૨૦૨૧માં બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પરથી ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ તપાસ શરૂ કરી

અમદાવાદ,  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અમદાવાદ ઝોનલ ઓફિસે રૂ. ૬૩૧.૯૭ કરોડના લોન કૌભાંડ મામલે ગાંધીનગરના પલોડિયા સ્થિત જાણીતી કંપની મેસર્સ ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિમિટેડ (EIL) અને તેના મોભીઓ વિરુદ્ધ સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં ગુનાહિત ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં મેસર્સ ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિમિટેડ કંપની, કંપનીના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર અને હાલના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન શૈલેષ ભંવરલાલ ભંડારી તથા પૂર્વ ચેરમેન મુકેશ ભંડારીને આરોપી બનાવવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીઓ સામે સમન્સ કાઢી આગામી ૧૫મી જુલાઈના રોજ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન દ્વારા વર્ષ ૨૦૨૧માં બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધારે નોંધવામાં આવેલી એફઆઈઆર બાદ ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ હાથ ધરી હતી. ઈડીના ખાસ એડવોકેટ અનિરુદ્ધ ખંભોળજાએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, ઈડીની તપાસમાં મેસર્સ ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિમિટેડે જુદી-જુદી બેંકોમાંથી લોન મેળવ્યા બાદ લોનની રકમ અન્યત્ર ટ્રાન્સફર કરી દીધી હતી. ઈલેક્ટ્રોથર્મ કંપની સાથે તેમનો કોઈ વાસ્તવિક માલસામાનનો વેપાર થયો જ નહોતો.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી માત્ર કાગળ પર ખોટા ઈન્વોઈસ, ડિલિવરી ચલણ અને લેટર ઓફ ક્રેડિટ ડિસ્કાઉન્ટિંગના આધારે નાણાંની હેરફેર બતાવવામાં આવી હતી. બોગસ કંપનીઓના ખાતામાં ઈલેક્ટ્રોથર્મ તરફથી નાણાં ટ્રાન્સફર થતાની સાથે જ તે જ દિવસે અથવા ગણતરીના દિવસોમાં રાઉન્ડ ફિગરમાં લાખો રૂપિયા રોકડા ઉપાડીને નાણાં સગેવગે કરી દેવાયા હોવાનું ટ્રેલ મળી આવ્યું હતું. મુખ્ય આરોપી શૈલેષ ભંડારી તપાસમાં સતત અસહકાર આપી રહ્યા હતા.

તબિયત અને ચાલવાની તકલીફનું બહાનું કાઢી તેઓ આઠ જેટલા સમન્સ બજાવવા છતાં હાજર થયા નહોતા, જ્યારે ઓફિસના સ્ટાફે પુષ્ટિ કરી હતી કે તેઓ નિયમિત ઓફિસ આવતા હતા. ઈડી દ્વારા તા. ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ આરોપીઓ પર પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

જેમાં આરોપી કંપની અને પ્રમોટર્સના ૪૧ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા, જેમાંથી મુખ્ય ત્રણ ખાતાઓમાં રહેલી રૂ. ૩૫,૧૭,૯૧,૫૬૬ની રકમ પર ઈડીની તરફેણમાં લિયન માર્ક રાખવાની મંજૂરી મેળવાઈ છે.

હાલમાં કુલ રૂ. ૩૮,૩૧,૯૧,૫૬૬ની કિંમતની નાણાકીય અસ્કયામતો પીએમએલએની કલમો હેઠળ જપ્ત રાખવામાં આવી છે. આરોપીઓએ વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૩ દરમિયાન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી મેળવેલી વિવિધ ક્રેડિટ સુવિધાઓમાંથી રૂ. ૬૩૧.૯૭ કરોડનું ભંડોળ ડાયવર્ટ કરીને બેંક સાથે છેતરપિંડી આચરી હતી. મેસર્સ ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિમિટેડ કંપનીનું ખાતું ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ એનપીએ જાહેર કરાયું હતું.

ત્યારબાદ બેંકે આ લોન ખાતું રૂ. ૫૫૦ કરોડમાં એડલવાઈઝ એઆરસીને વેચી દેતાં બેંકને સીધું રૂ. ૮૧.૯૭ કરોડનું નુકસાન થયું હતું. બેંક ઓફ ઈન્ડિયાએ કંપનીને ફેઝ-IV એક્સપાન્સન પ્રોગ્રામ (કંપનીના વિસ્તરણ) માટે રૂ. ૧૦0 કરોડની લોન આપી હતી. પરંતુ કંપનીએ આ નાણાંનો ઉપયોગ વિસ્તરણમાં કરવાને બદલે તાત્કાલિક અન્ય બેંકો (એસબીઆઈ, આઈડીબીઆઈ, પીએનબી)ની જૂની લોન અને લાયબિલિટીઝ ચૂકતે કરવા માટે ડાયવર્ટ કરી દીધા હતા.

કંપનીએ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ફેઝ-IV એક્સપાન્સન પ્રોગ્રામ માટે રૂ. ૧૦૦ કરોડની શોર્ટ ટર્મ લોન લીધી હતી. પરંતુ તપાસમાં સામે આવ્યું કે લોનની રકમ જેવી ખાતામાં જમા થઈ કે તરત જ તેમાંથી કરોડો રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેંક અને પંજાબ નેશનલ બેંકના જૂના દેવા અને ઓવરડ્રાફ્ટ ખાતા ભરપાઈ કરવા માટે ડાયવર્ટ કરી દેવાયા હતા.

ભૂતિયા સરનામા અને રોકડ ઉપાડ

ઓડિટ રિપોર્ટમાં શંકાસ્પદ દર્શાવેલી અન્ય કેટલીક કંપનીઓ હર્ષ એન્ટરપ્રાઈઝ, શિવ એન્ટરપ્રાઈઝ વગેરેના સરનામે જ્યારે ઈડીની ટીમે ભૌતિક તપાસ કરી ત્યારે ત્યાં આવી કોઈ કંપનીઓ અસ્તિત્વમાં જ નહોતી. આ બોગસ કંપનીઓના ખાતામાં ઈલેક્ટ્રોથર્મ તરફથી નાણાં ટ્રાન્સફર થતાની સાથે જ તે જ દિવસે અથવા ગણતરીના દિવસોમાં રાઉન્ડ ફિગરમાં લાખો રૂપિયા રોકડા ઉપાડીને નાણાં સગેવગે કરી દેવાયા હોવાનું ટ્રેલ મળ્યું છે. આ સિવાય મુખ્ય કંપનીના ખાતાઓમાંથી પણ રૂ. ૪.૯૧ કરોડનો શંકાસ્પદ રોકડ ઉપાડ કરાયો હતો, જેનો કોઈ હિસાબ સીએફઓ કે મેનેજમેન્ટ આપી શક્યા નથી.

આઠ સમન્સ બાદ પણ શૈલેષ ભંડારી હાજર ન થયા

ઈડીએ રિપોર્ટમાં નોંધ્યું છે કે મુખ્ય આરોપી શૈલેષ ભંડારી તપાસમાં સતત અસહકાર આપી રહ્યા હતા. તબિયત અને ચાલવાની તકલીફનું બહાનું કાઢી તેઓ આઠ જેટલા સમન્સ બજાવવા છતાં હાજર થયા નહોતા, જ્યારે ઓફિસના સ્ટાફે પુષ્ટિ કરી હતી કે તેઓ નિયમિત ઓફિસ આવતા હતા.

ઈડીએ કાર્યવાહી કરીને શૈલેષ ભંડારી અને કંપનીના એક્સિસ અને એચડીએફસી બેંકના ખાતાઓ ફ્રીઝ કરીને તથા એક લક્ઝરી મર્સિડીઝ કાર જપ્ત કરીને રૂ. ૩૮.૩૧ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી લીધી છે, જેને એડજ્યુડિકેટિંગ ઓથોરિટીએ પણ મંજૂરી આપી દીધી છે.

બોગસ બિલિંગનું નેટવર્ક

તપાસ દરમિયાન ‘ઈન્દુજા ટ્રેડર્સ’ અને ‘કલરશોપ ટ્રેડિંગ’ જેવી કંપનીઓના ડિરેક્ટર જિતેન્દ્રકુમાર સલેચાએ ઈડી સમક્ષ કબૂલાત કરી છે કે ઈલેક્ટ્રોથર્મ કંપની સાથે તેમનો કોઈ વાસ્તવિક માલસામાનનો વેપાર થયો જ નહોતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી માત્ર કાગળ પર ખોટા ઈન્વોઈસ, ડિલિવરી ચલણ અને લેટર ઓફ ક્રેડિટ ડિસ્કાઉન્ટિંગના આધારે નાણાંની હેરફેર બતાવવામાં આવી હતી જેથી એકાઉન્ટ એનપીએ થતું બચાવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.