અમદાવાદ: મેયર હિતેશભાઈ બારોટે શીલજ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી, બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા
અમદાવાદ, અમદાવાદ શહેરમાં પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત આજે વિશેષ પોલિયો કેમ્પિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ શહેરના માનનીય મેયર શ્રી હિતેશભાઈ બારોટે નોર્થ વેસ્ટ ઝોનમાં આવેલા શીલજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલિયો બૂથની આકસ્મિક મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન મેયરશ્રીએ પોતાના હસ્તે નાના બાળકોને પોલિયોના બે ટીપાં (‘દો બૂંદ જિંદગી કી’) પીવડાવીને આ રાષ્ટ્રીય અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું અને બાળકોને પોલિયો મુક્ત ભવિષ્ય તરફ સુરક્ષિત કર્યા હતા.
કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો મેયર હિતેશભાઈ બારોટે રવિવારના દિવસે પણ સરાહનીય કામગીરી બજાવી રહેલા હેલ્થ સેન્ટરના તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. તેમની આ પ્રત્યક્ષ મુલાકાતથી ફરજ પરના કર્મચારીઓનો ઉત્સાહ બમણો થયો હતો.
આ પ્રસંગે નોર્થ વેસ્ટ ઝોનના સ્થાનિક અગ્રણીઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પોતાના ૫ વર્ષ સુધીના તમામ બાળકોને અચૂક પોલિયોના ટીપાં પીવડાવવા અપીલ કરવામાં આવી છે.
