અમદાવાદમાં ‘ફિબા (FIBA) બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ’નો શાનદાર પ્રારંભ
અમદાવાદ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ હબ તરીકે ઉભર્યું:
નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયાના બે મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે ટકરાશે.
ગાંધીનગર, વિવિધ પ્રતિષ્ઠિત રમતોના આંતરરાષ્ટ્રીય આયોજનો સાથે અમદાવાદ સતત એક મોટા ‘સ્પોર્ટ્સ હબ’ તરીકે ઉભરી રહ્યું છે. અમદાવાદ હાલ ‘ફિબા (FIBA) બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ – વિન્ડો 3’ ની ભવ્ય યજમાની કરી રહ્યું છે.
આ ટૂર્નામેન્ટ અંતર્ગત ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમ 2 જુલાઈથી 5 જુલાઈ, 2026 દરમિયાન નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયાના બે મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે ટકરાશે.
View this post on Instagram
ભારતનો કતાર અને લેબનોન સામે મુકાબલો
ભારતીય ટીમે 2 જુલાઈએ (ગુરુવારે) કતાર સામે મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરી છે. આ પછી આગામી 5 જુલાઈએ ટીમ લેબનોન સામે મેદાનમાં ઉતરશે. આગામી રાઉન્ડના ક્વોલિફિકેશન માટે તેમજ એશિયન બાસ્કેટબોલમાં ભારતનું સ્થાન મજબૂત કરવા માટે આ બંને મેચો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

અમદાવાદ ઝડપથી પ્રીમિયર સ્પોર્ટ્સ હબ તરીકે ઓળખાયું: હર્ષ સંઘવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ અંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,
“અમદાવાદ ઝડપથી એક પ્રીમિયર સ્પોર્ટ્સ હબ તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપના એક જ અઠવાડિયામાં અન્ય એક મોટી આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ટૂર્નામેન્ટની યજમાની કરવી, એ ગુજરાતના વર્લ્ડ-ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્યમાં આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજનોને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
તેમણે વધુમાં નોંધ્યું કે, આ જ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સફળતાપૂર્વક ‘2026 એવીસી (AVC) મેન્સ વોલીબોલ કપ’નું આયોજન (20 થી 28 જૂન, 2026) કરાયું હતું. ભારતમાં આ વોલીબોલ ટૂર્નામેન્ટનું આ પ્રથમ આયોજન હતું. તેના ગણતરીના દિવસોમાં જ આ સ્થળે બીજી મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટનું સ્વાગત થઈ રહ્યું છે.
સ્થાનિક પ્રશંસકોનો મળશે લાભ, ટીમ સારા પ્રદર્શન માટે આશાવાદી
હેડ કોચ સ્કોટ ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમ હાલમાં પુનઃગઠનના તબક્કામાંથી પસાર થઈ રહી છે, જેમાં યુવા પ્રતિભાઓને ખીલવવા અને આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવા પર ભાર મુકાઈ રહ્યો છે. નવીનતમ FIBA રેન્કિંગમાં ભારત વિશ્વમાં 76મા અને એશિયામાં 14મા ક્રમે છે. ક્વોલિફિકેશન અભિયાનની પડકારજનક શરૂઆત બાદ ભારતીય ટીમ હવે હોમ ગ્રાઉન્ડ અને સ્થાનિક પ્રશંસકોના સમર્થન સાથે વધુ મજબૂત પ્રદર્શન કરવા માટે આત્મવિશ્વાસથી ભરેલી છે.

ભારતીય ટીમમાં કન્વર સંધુ, પ્રણવ પ્રિન્સ, પ્રિન્સપાલ સિંઘ અને હર્ષ ડાગર જેવા આશાસ્પદ ખેલાડીઓ સામેલ છે, જેમણે તાજેતરમાં પ્રભાવશાળી દેખાવ કર્યો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ સુધી આંતરરાષ્ટ્રીય મેચોની રમઝટ જામશે, ત્યારે બાસ્કેટબોલ પ્રેમીઓ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય ટીમને પ્રોત્સાહિત કરવા માટે ઉમટી પડશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

