Western Times News

Gujarati News

કાયદાના રક્ષકો જ બન્યા ભક્ષક! પૂછપરછના નામે યુવકની હત્યા કરનાર ૯ પોલીસકર્મીઓને આજીવન કેદ

  • ૧૫ વર્ષની કાનૂની લડાઈનો અંત: વાશિમ કોર્ટે પૂર્વ પોલીસ અધિકારી માણિક ધાંડે સહિત ૯ ને જેલ ભેગા કર્યા

મુંબઈ, મહારાષ્ટ્રની વાશિમ જિલ્લા અદાલતે પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યાના ૧૫ વર્ષ જૂના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે એક પૂર્વ પોલીસ અધિકારી સહિત ૯ પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

આ ઘટના ૧૦ મે-૨૦૧૧ના રોજ રિસોડ પોલીસ સ્ટેશનમાં બની હતી, જ્યાં પોલીસે પારધી સમાજના બેગ્યા પવાર નામના યુવકને પૂછપરછના બહાને રાત્રે ૩ વાગ્યે ઘરેથી ઉઠાવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ક્રૂરતાપૂર્વક માર મારીને તેની હત્યા કરી દીધી હતી.

મૃતક યુવક પર કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો અને તેના લગ્નને માંડ ૧ વર્ષ થયું હતું. પુત્રના મોત બાદ ન્યાય માટે પહોંચેલા વૃદ્ધ માતા-પિતાની ફરિયાદ નોંધવાનો પોલીસ અધિકારીએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

યુવકના મોતને પગલે ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. બાદમાં પોસ્ટમોર્ટમ અને મેડિકલ તપાસમાં ખુલાસો થયો કે યુવકના શરીરના અનેક હાડકાં તૂટી ગયા હતા. મામલાની ગંભીરતા જોઈને તપાસ સીઆઈડીના અધિકારી અનવર શેખને સોંપાઈ હતી.

તેમણે ઊંડાણપૂર્વક તપાસ કરીને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી, જેમાં પોલીસ સ્ટેશનની અંદર યુવક પર ગુજારવામાં આવેલા થર્ડ ડિગ્રી અત્યાચારના પુરાવા આપવામાં આવ્યા હતા.

વાશિમ જિલ્લા અદાલતના જજ ઝપાટેએ ૧૫ વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ તત્કાલીન પૂર્વ પોલીસ અધિકારી મહાદેવ માણિક ધાંડે અને અન્ય ૮ પોલીસકર્મીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે.

સજા પામેલા લોકોમાંથી ૨ કર્મચારીઓ નિવૃત્ત પણ થઈ ચૂક્્યા છે. તમામ દોષિતોને જેલ ભેગા કરી દેવાયા છે. દીકરાને ન્યાય મળતા તેની વૃદ્ધ માતા કલાબાઈએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, અમને ન્યાય મળ્યો છે, અમે ખૂબ ખુશ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.