Western Times News

Gujarati News

ભારતીય નૌસેનાની ગર્જના! INS ત્રિકંદ આવતા જ જહાજ છોડી ભાગ્યા દરિયાઈ લૂંટારાઓ, વાંચો કેવી રીતે બચ્યો ક્રૂ મેમ્બર?

  • સમુદ્રની વચ્ચે MARCOS કમાન્ડોઝનું મોટું ઓપરેશન: એડનની ખાડીમાં ભારતીય જહાજ પર ચાંચિયાઓનો હુમલો નિષ્ફળ

  • એડનની ખાડીમાં માર્કોસ કમાન્ડોનું દિલધડક ઓપરેશન; ભારતીય જહાજ ‘MV ગોલ્ડન’ ને ચાંચિયાઓના ચુંગાલમાંથી છોડાવ્યું

(એજન્સી) નવી દિલ્હી, એડનની ખાડીમાં ભારતીય નૌસેનાના માર્કોસ કમાન્ડોઝે સમુદ્રમાં મોટું ઓપરેશન પાર પાડીને સમુદ્રી ચાંચિયાઓનો હુમલો નિષ્ફળ બનાવ્યો છે. ભારતના કોમર્શિયલ જહાજ સ્ફ ગોલ્ડન પર આસ્નેનલ સમુદ્રી લૂંટારાઓએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો,

જોકે આ દરમિયાન તાત્કાલીક ભારતીય યુદ્ધ જહાજ આઈ.એન.એસ. ત્રિકંદ આવી પહોંચતા ચાંચિયાઓના લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. જહાજ પર ભારતીય ક્રૂ મેમ્બર પણ હતો, જોકે નૌસેનાની કાર્યવાહીના કારણે જહાજ અને તેમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. રિપોર્ટ મુજબ જ્યારે જહાજ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે ક્રૂ મેમ્બરે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો.

ત્યારબાદ તેણે સેટેલાઈટ ફોનથી ભારતીય નૌસેનાને સમુદ્રી હુમલો થયો હોવાની માહિતી આપી હતી. ત્યારપછી આઈ.એન.એસ. ત્રિકંદ ઝડપથી ઘટનાસ્થળ તરફ રવાના થયું હતું. નૌસેના આવવાની ખબર મળતા જ ચાંચિયાઓ તુરંત જહાજ છોડીને ભાગી ગયા હતા. ક્રૂ મેમ્બરની સતર્કતા અને તેણે સમયસર આપેલી સૂચનાના કારણે ચાંચિયાઓના પેંતરો સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો.

ભારતીય નૌસેનાના વિશેષ મરીન કમાન્ડો માર્કોસે કોમર્શિયલ જહાજની સંપૂર્ણ તપાસ કરી હતી. કમાન્ડોએ જહાજ કોઈ સમુદ્ર લૂંટારો કે કોઈ ખતરો છે કે નહીં, તેની સંપૂર્ણ તપાસ કરી હતી.

તમામ કાર્યવાહી બાદ જહાજને સંપૂર્ણ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. વેપારી જહાજો માટે એડનની ખાડી વિશ્વનો સૌથી વ્યસ્ત સમુદ્ર માર્ગ છે. અગાઉ પણ સમુદ્રી લૂંટારાઓના હુમલાની અનેક ઘટનાઓ બની ચુકી છે. ભારતીય કોમર્શિલ જહાજો પણ આ જ સમુદ્રી માર્ગનો ઉપયોગ કરીને સામાનની આયાત-નિકાસ કરતા રહે છે. આવી સ્થિતિમાં ભારતીય નૌસેના આ માર્ગ પર સતત દેખરેખ રાખે છે અને કોઈપણ ઈમરજન્સી સમયે તાત્કાલીક કાર્યવાહી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.