Western Times News

Gujarati News

જાપાન ભારતમાં કરશે 1.10 લાખ કરોડનું રોકાણ, ૧૨૯ કરારો પર હસ્તાક્ષર

ભારત-જાપાન વચ્ચે ૧૨૯ ઐતિહાસિક કરાર સંપન્ન-સંરક્ષણ ક્ષેત્રે પ્રથમ કો-ડેવલપમેન્ટ કરારઃ ચીન સરહદે ક્વાડની મજબૂત કિલ્લાબંધી ઃ ભારત માટે જાપાન સૌથી મોટો રોકાણકાર દેશ

PM Modi-Sanae Takaichi Meeting: ક્વાડ મજબૂત બનશે, ભારત-જાપાન વચ્ચે સંરક્ષણ અને આર્થિક સુરક્ષાનો રોડમેપ તૈયાર

નવી દિલ્હી, એશિયા-પેસિફિક અને વૈશ્વિક રાજનીતિના મજબૂત સ્તંભ ગણાતા ભારત અને જાપાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. નવી દિલ્હીની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાયેલી પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠકમાં અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે બંને દેશોએ આર્ટિિફશિયલ ઈન્ટેલિજન્સ, ક્રિટિકલ મેટલ્સ, ગ્રીન એનર્જી અને અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવા પર મહોર મારી છે. આ સાથે જ આર્થિક મોરચે ચીનના પડકારોનો સામનો કરવા માટે બંને દેશોએ ‘આર્થિક સુરક્ષા સંયુક્ત રોડમેપ’ અપનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચીએ વૈશ્વિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “આજે વિશ્વ જે અશાંત આંતરરાષ્ટ્રીય માહોલ અને ભૌગોલિક-રાજકીય તણાવમાંથી પસાર થઈ રહ્યું છે, તેમાં ભારત અને જાપાન વચ્ચે આવો પૂરક અને મજબૂત સહયોગ સ્થાપિત થવો એ સમયની સૌથી મોટી માગ છે. આપણે એકબીજાની શક્તિઓ, ટેક્નોલોજી અને સંસાધનોનો સંયુક્ત ઉપયોગ કરીને સાથે મળીને વધુ સમૃદ્ધ અને અજેય બનીશું.”

‘ભારત-જાપાન સંયુક્ત આર્થિક મંચ’ને સંબોધિત કરતી વખતે જાપાની પીએમે બંને દેશોના ઉર્જા સુરક્ષા સહયોગને નવો વેગ આપ્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે બંને દેશો મળીને વાર્ષિક આશરે ૪ લાખ ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતો વિશાળ ‘ગ્રીન એમોનિયા ઉત્પાદન પ્રોજેક્ટ’ સ્થાપશે. આ પ્રોજેક્ટ ભવિષ્યની સ્વચ્છ ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવામાં ગેમ-ચેન્જર સાબિત થશે.

તેમણે ઉમેર્યું કે, ‘આપણો સહયોગ હવે માત્ર પરંપરાગત ઉર્જા પૂરતો મર્યાિદત નથી. આમાં હવે બંને દેશોના નવતર સ્ટાર્ટઅપ્સ તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો પણ મોટા પાયે ભાગીદાર બન્યા છે.’ જાપાનની ‘પાવર એશિયા ઇનિશિયેટિવ’ હેઠળ બંને દેશો પ્રાદેશિક ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે ભારતમાં પેટ્રોલિયમ સ્ટોરેજ (ભંડારણ) ક્ષમતા વધારવા જેવા નવા ક્ષેત્રોમાં રોકાણ કરશે.

પીએમ તાકાઈચીએ જાહેરાત કરી હતી કે આ મુલાકાત દરમિયાન ભારત અને જાપાનના ખાનગી ઉદ્યોગો વચ્ચે આશરે ૧૨૯ વ્યવસાયિક સમજૂતી કરારો થયા છે. આ કરારો હેઠળ ભારતમાં ૨ ટ્રિલિયન જાપાનીઝ યેન (આશરે ૨ લાખ કરોડ યેનથી વધુ અથવા ભારતીય રૂપિયામાં ૧.૧૦ લાખ કરોડથી વધુ)નું સીધું વિદેશી રોકાણ આવશે. આ રોકાણ ટેક્નોલોજી ટ્રાન્સફર અને ભારતમાં રોજગારીની નવી તકો ઉભી કરવામાં મોટી ભૂમિકા ભજવશે.

જાપાનના વડાપ્રધાને એક મહત્વની વ્યુહરચના જાહેર કરતા કહ્યું કે, આજે મોટી સંખ્યામાં જાપાની કંપનીઓ ભારતને આફ્રિકા ખંડમાં પોતાના વ્યાપારી વિસ્તારના મુખ્ય હેડક્વાર્ટર કે બેઝ તરીકે જોઈ રહી છે. ‘ફ્રી એન્ડ ઓપન ઇન્ડો-પેસિફિક’ માળખા હેઠળ ભારત અને જાપાન આ સંયુક્ત વિકાસ મોડેલને માત્ર પોતાના પૂરતું મર્યાિદત નહીં રાખતા, વૈશ્વિક દક્ષિણ એટલે કે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના વિકાસશીલ દેશો સુધી લઈ જશે.

પ્રાદેશિક સુરક્ષા અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા જતા સૈન્ય પ્રભાવને રોકવા માટે ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે પ્રથમ વખત ‘સહ-વિકાસ પ્રોજેક્ટ કરાર’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત અને જાપાન ઉપરાંત અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ આ શક્તિશાળી ‘ક્વાડ’ જૂથના સભ્યો છે. આ કરાર હેઠળ બંને દેશો આધુનિક સૈન્ય ઉપકરણો અને ટેક્નોલોજીનું સંયુક્ત ઉત્પાદન કરશે.

જાપાન લાંબા સમયથી ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મોખરે રહ્યું છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે આકાર લઈ રહેલા હાઈ-સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)ને જાપાન આર્થિક અને તકનીકી રીતે સંપૂર્ણ પીઠબળ પૂરું પાડી રહ્યું છે. આ ઉપરાંત, તાજેતરમાં જ જાપાની રોકાણકારોએ ભારતની પ્રાઈવેટ સેક્ટરની યસ બેંકમાં ૨૦ ટકા હિસ્સેદારી ખરીદવા માટે ૧.૬ અબજ ડોલરનો મોટો સોદો કર્યો છે, જે ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં જાપાનનો વધતો ભરોસો દર્શાવે છે.

વિદેશ મંત્રાલયના સત્તાવાર અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૭.૫ અબજ ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે. જ્યારે માત્ર એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન જ જાપાનનું ભારતમાં રોકાણ ૩.૨ અબજ ડોલર નોંધાયું હતું.

અગાઉ પીએમ મોદીની ટોક્યો યાત્રા દરમિયાન જાપાને ૧૦ વર્ષમાં ૬૧ અબજ ડોલરનું રોકાણ કરવાનો વાયદો કર્યો હતો, જે આંકડો હવે ઝડપથી પાર થવા તરફ છે. વર્ષ ૨૦૨૭માં ભારત અને જાપાન વચ્ચે રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી થવાની છે. તે પૂર્વે બંને દેશો વચ્ચે હાલમાં ૨+૨ બેઠક, વ્યૂહાત્મક સંવાદ, આર્થિક સુરક્ષા સંવાદ અને એક્ટ ઈસ્ટ ફોરમ સહિત ૭૦થી વધુ સત્તાવાર સંવાદ તંત્રો અવિરત કાર્યરત છે.

જૂન ૨૦૨૬માં ફ્રાન્સના ઇવિયાન-લેસ-બેન્સમાં જી૭ શિખર સંમેલન અને નવેમ્બર ૨૦૨૫માં જોહાનિસબર્ગ જી૨૦ સમીટમાં પીએમ મોદી અને પીએમ તાકાઈચીની મુલાકાતો બાદ આ દ્વિપક્ષીય પ્રવાસ બંને દેશોને નવી વૈશ્વિક ઊંચાઈ પર લઈ જનારો સાબિત થયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.