Western Times News

Gujarati News

ખોખરાના AMCના ક્લાસ-1 અધિકારીઓ માટેનાં ક્વાર્ટર્સ હવે ભાડે અપાશે

ખાડા-ખોદકામના કામો ઝડપથી પૂર્ણ કરવા અને જરૂરી સ્થળોએ બેરીકેડિંગ કરવા સૂચના

અમદાવાદ (પ્રતિનિધિ),  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટી દર ગુરુવારે યોજવામાં આવે છે, જે અંતર્ગત 2 જુલાઇ 2026નાં રોજ યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં   શહેરનાં વિકાસને લગતાં મહત્વનાં મુદ્દાઓની ચર્ચા  કરવામાં આવી હતી. જેમાં પ્રિ-મોન્સૂન પ્લાન અંગેની ચર્ચા મહત્વની હતી.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં વર્ષ 2012માં ક્લાસ-1 અને 2 કેટેગરીનાં અધિકારીઓ માટે 24 જેટલા ક્વાર્ટર્સનાં લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં.

પરંતુ ઓફિસર્સ આ ક્વાર્ટર્સમાં રહેવા ન આવતાં, તેને IITRAM (ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્કચર, ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ)નાં વિદ્યાર્થીઓ રહેતાં હતાં. જો કે તેઓની હોસ્ટેલ તૈયાર થઇ જતાં આ વિદ્યાર્થીઓ તેમની હોસ્ટેલમાં શિફ્ટ થયાં હતાં. હવે, આ ક્વાર્ટર્સ ખાલી હોવાથી આ ક્વાર્ટર્સની જાળવણી યોગ્ય રીતે થઇ શકે તેમજ કોઇ તેમાં ગેરકાયદેસર કબજો ન કરી લે તે હેતુથી તેને ભાડે આપવાની તાકીદ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 15 જૂન સુધી તમામ ખાડાઓ પૂરી દેવા અને રોડના કામો પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. જ્યાં કામગીરી ચાલુ છે ત્યાં ડેડલાઈન નક્કી કરીને, જરૂરી જણાય તો બેરીકેડિંગ કરીને કામ કરવું જોઈએ જેથી કોઈને તકલીફ ન પડે.શહેરના અલગ-અલગ વોર્ડમાં સફાઈ કામદારોની સંખ્યાની વિસંગતતા અંગે ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, દરેક વોર્ડમાં સફાઈ કામદારો દ્વારા સારી રીતે સફાઈ કરવામાં આવી રહી છે.

શહેરમાં એક એવો વોર્ડ છે, જેનો વિસ્તાર માત્ર 3.2 ચોરસ કિલોમીટર છે અને તેમાં 762 સફાઈ કામદારો કાર્યરત છે, જ્યારે 44.54 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા અન્ય એક વોર્ડમાં માત્ર 244 સફાઈ કામદારો કાર્યરત છે. આ વિસંગતતાના કારણે સફાઈ વ્યવસ્થામાં કોઈ અવરોધ ઊભો ન થાય અને શહેરમાં સુચારુ રીતે સફાઈ થાય તે માટે તમામ વોર્ડમાં સમાન ધોરણે કામદારોની ફાળવણી કરવા તથા આ વિસંગતતા દૂર કરવા સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.