Western Times News

Gujarati News

એક રાજ્યમાં તમામ સરકારી અધિકારીના મોત થયા વેનેઝુએલા દેશમાં

૧૮૯ ઈમારતો ભૂકંપમાં ધ્વસ્ત

દેશના પુનર્નિર્માણ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ના સહયોગથી ૨૦૦ મિલિયન ડોલરનું ફંડ બનાવવામાં આવી રહ્યું છે

વેનેઝુએલા,વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આપત્તિમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. આ આપત્તિ વચ્ચે વેનેઝુએલાની સરકારે બચાવ કામગીરી ઝડપી બનાવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી મદદ પણ મળી રહી છે. આ ભયાનક આપત્તિના કારણે લા ગુએરા રાજ્યમાં ભારે તબાહી સર્જાઈ છે અને ત્યાંના સ્થાનિક સરકારી તંત્રને મોટો ફટકો પડ્યો છે.

વેનેઝુએલાના અંતરિમ પ્રમુખ રોડ્રિગેઝે જણાવ્યું છે કે, તાજેતરમાં ૨૪ જૂનના રોજ આવેલા ભયાનક ભૂકંપમાં લા ગુએરા રાજ્યના લગભગ તમામ સરકારી અધિકારીઓના મોત થયા છે. કારાકાસની ઉત્તરે આવેલું આ તટીય રાજ્ય ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. પ્રમુખે ઉમેર્યું કે, આપત્તિના તુરંત બાદ દેશની આપાતકાલીન વ્યવસ્થાને ઍલર્ટ કરી સક્રિય કરવામાં આવી હતી અને ૪૦૦૦ જેટલા અધિકારીઓને રાહત તેમજ બચાવ કાર્યમાં તહેનાત કરવામાં આવ્યા છે.સમાચાર એજન્સી રાયટર્સના અહેવાલ મુજબ, વેનેઝુએલાની સરકારે ભૂકંપ બાદ તુરંત જ આંતરરાષ્ટ્રીય મદદની માંગ કરી હતી.

અંતરિમ પ્રમુખ રોડ્રિગેઝે રાહત કાર્યમાં સહયોગ આપવા બદલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અલ સલ્વાડોરના પ્રમુખ બુકેલે અને અન્ય વિદેશી સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યાે છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, દેશના પુનર્નિર્માણ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ના સહયોગથી ૨૦૦ મિલિયન ડોલરનું ફંડ બનાવવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે આરોપ પણ લગાવ્યો કે કેટલીક ‘મીડિયા લેબોરેટરીઝ’ દ્વારા રાહત કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરાયો હતો, પણ આ અંગે વધુ વિગત આપી નથી.લા ગુએરા રાજ્યમાં ભૂકંપના કારણે ૧૮૯ ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે.

કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટેનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ રાખવામાં આવ્યું છે અને તેને સમાપ્ત કરવામાં આવ્યું નથી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાની અને લોકોને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે.વેનેઝુએલામાં ૨૪ જૂનના રોજ ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના બે જોરદાર ભૂકંપ આવ્યા હતા. આ આપત્તિમાં મરણ આંક વધીને ૨૦૦૦ને પાર થઈ ગયો છે, જ્યારે ૫૦,૦૦૦થી વધુ લોકો હજુ પણ લાપતા છે.

આ સંકટ સમયે મદદ માટે ૨૧ દેશોએ પોતાની સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો મોકલી છે, જેમાં એકલા અમેરિકાએ ૨૫૦થી વધુ કર્મચારીઓ તહેનાત કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર ની પ્રવાસન એજન્સીના અંદાજ મુજબ આ આપત્તિથી ૬૭.૬ લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. તેમજ યુએન દ્વારા અંદાજે ૬.૭ અબજ ડોલરના ભૌતિક નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ છે, જે વેનેઝુએલાની જીડીપીના ૬% બરાબર છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.