વધતા રોગો સામેના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી જ સચોટ ઉપાય: રાજ્યપાલ
અમદાવાદ ખાતે આયોજિત પ્રબુદ્ધસભામાં ગુજરાતને પ્રાકૃતિક ખેતીનું મોડેલ સ્ટેટ ગણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્ણવી પોતાના જીવનના પ્રસંગોની હૃદયસ્પર્શી ગાથા
અમદાવાદના સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે અગ્રણી વૈચારિક અને બૌદ્ધિક મંચ ‘પ્રબુદ્ધસભા‘ અંતર્ગત 24 માં મણકાનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ પ્રબુદ્ધ સભામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ “જીવન પાસેથી હું શું શીખ્યો?” વિષય ઉપર સંબોધન કર્યું હતું. તેમણે પોતાના જીવનના સંઘર્ષો, ગુરુકુળ પરંપરા અને સામાજિક ઉત્થાનના કાર્યો વિશે હૃદયસ્પર્શી વાતો રજૂ કરી હતી.
તેમણે આ સભાની પ્રશંસા કરતા જણાવ્યું કે, દેશમાં વૃદ્ધોના કાર્યક્રમો તો ઘણા થતા હોય છે, પરંતુ સમાજ માટે પોતાનું જીવન ખપાવી દેનારા અને આવનારી પેઢીઓ માટે આદર્શરૂપ બનેલા પ્રબુદ્ધ લોકોના જીવનના અનુભવોનું સંકલન કરવું એ રાષ્ટ્ર માટે બહુ મોટી પ્રેરણા સાબિત થશે. ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરી તેમણે સમજાવ્યું કે સાચો જન્મ એ જ સાર્થક છે, જેના થકી વંશ, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ થાય.
પોતાના પ્રારંભિક જીવનના કપરા સંઘર્ષોની ગાથા રજૂ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે તેઓ હરિયાણાના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. પિતાની પ્રેરણાથી ગુરુકુળમાં અભ્યાસ પૂરો કર્યા બાદ, માત્ર 21 વર્ષની નાની ઉંમરે તેઓ કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળના પ્રધાન આચાર્ય બન્યા હતા.
એક સમયે કોઈ જ આર્થિક સાધન કે સરકારી અનુદાન ન હોવા છતાં, તેમણે રાત-દિવસ એક કરીને અને ગામોમાં ફરીને ભિક્ષાવૃત્તિ દ્વારા અનાજ અને દાન એકત્રિત કરી ગરીબ બાળકોના શિક્ષણ અને ભોજનની વ્યવસ્થા કરી હતી. આ કઠિન પરિશ્રમ દરમિયાન 1998માં અતિશય ગરમી અને લૂ લાગવાને કારણે તેઓ અલ્સરેટિવ કોલાઇટિસ જેવી ગંભીર બીમારીનો ભોગ બન્યા, જેમાં તેમનું વજન 84 કિલોથી ઘટીને 53 કિલો થઈ ગયું હતું અને તેઓ મૃત્યુની નજીક પહોંચી ગયા હતા.
વધુમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, બીમારીના એ અંતિમ ચરણમાં સ્વામી જગદીશ્વરાનંદજીના માર્ગદર્શન હેઠળ 21 દિવસના કઠિન જલ ઉપવાસ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા તેમના સ્વાથ્યમાં ચમત્કારિક સુધારો થયો હતો.
આ અનુભવ બાદ તેમણે ગુરુકુળમાં જ 100 બેડની ભવ્ય પ્રાકૃતિક ચિકિત્સા હોસ્પિટલનું નિર્માણ કર્યું, જ્યાં આજે દેશ-વિદેશના હજારો લોકો લાભ લઈ રહ્યા છે. આ સાથે જ તેમણે 180 એકર જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી શરૂ કરાવી અને એક આધુનિક ગૌશાળાનું નિર્માણ પણ કર્યું. આજે તે ગુરુકુળમાં 19 રાજ્યોના આશરે 1500 જેટલા બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે અને સંસ્થાએ દેશને અસંખ્ય NDA, IIT, NEET પાસ આઉટ ઉમેદવારો અને અનેક આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીરો આપ્યા છે.
પોતાના સંબોધનના અંતમાં રાજ્યપાલશ્રીએ વર્તમાન સમયમાં વધતા જતા કેન્સર, હાર્ટ એટેક અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના કારણે આજની પેઢી રોગોનો ભોગ બની રહી છે, જેનું એકમાત્ર અને સચોટ સમાધાન પ્રાકૃતિક ખેતી અને શુદ્ધ જીવનશૈલી જ છે. કોઈપણ પ્રકારની લાલચ રાખ્યા વિના કેવળ રાષ્ટ્ર સેવાને જ પરમ ધર્મ માનનારા આચાર્ય દેવવ્રતજીએ અણધારી રીતે તેમની ગવર્નર તરીકે નિમણૂક કરાઈ તે ક્ષણોને પણ યાદ કરી આશ્ચર્ય અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના મુખ્ય ચરણમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના બહુમૂલ્ય જીવનના અનુભવો, શિક્ષણ અને આધ્યાત્મિક યાત્રામાંથી મેળવેલા ભાથાને શ્રોતાઓ સમક્ષ અત્યંત સરળ અને હૃદયસ્પર્શી શૈલીમાં પ્રસ્તુત કર્યું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સાહિત્યકાર ડૉ. ભાગ્યેશ ઝાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં ઋગ્વેદ અને ભૂમિસૂક્તના મંત્રોનો સંદર્ભ આપતાં કહ્યું કે, રાજ્યપાલશ્રીએ માત્ર વાતો કરવાને બદલે પ્રકૃતિ અને ભૂમિ સંરક્ષણ માટે સાચું લોકશિક્ષણ આપ્યું છે. સમાજમાં વ્યાપક બનતા કેન્સર જેવા ગંભીર રોગો સામે ચિંતા વ્યક્ત કરી તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યપાલશ્રીના ભગીરથ પ્રયાસો અને પીઠબળને કારણે જ આજે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગુજરાત દેશભરમાં એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે.
આ પ્રસંગે ન્યુરોલોજિસ્ટ ડૉ. સુધીર શાહ, કવિ અને લેખક શ્રી માધવ રામાનુજ, પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ શ્રી રાકેશ જોશી, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજીવ ગાંધી, પ્રબુદ્ધ સભાના સેક્રેટરી શ્રી ધર્મેન્દ્ર પંડ્યા, આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર. એસ. પટેલ, શ્રી અજય ઉમટ અને અમદાવાદના પ્રખર બૌદ્ધિકો, શિક્ષણવિદો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, નગરજનો અને આમંત્રિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
