Western Times News

Gujarati News

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ-રાજુલામાં ૯ ઈંચ વરસાદથી જળબંબાકારઃ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત ઃ ૯૭ તાલુકામાં મેઘમહેર

અમદાવાદ, ગુજરાતમાં ચોમાસાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે. આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ ૯૭ તાલુકાઓમાં સાર્વિત્રક વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે.

આજના દિવસમાં સૌથી વધુ આકાશી આફત અમરેલી જિલ્લા પર વરસી છે. અમરેલીના રાજુલામાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાતા માત્ર થોડા જ કલાકોમાં ૮.૯૮ ઈંચ જેટલો અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. મુસળધાર વરસાદને પગલે રાજુલા પંથકના નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. દરમિયાન આગામી ૭ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજુલા ઉપરાંત સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લાના ધારી તાલુકામાં ૬.૮૫ ઈંચ અને ખાંભામાં ૫.૫૧ ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત લીલીયામાં ૪.૨૧ ઈંચ, બગસરામાં ૪.૧૭ ઈંચ, સાવરકુંડલામાં ૩.૯૭ ઈંચ તેમજ દરિયાકાંઠાના જાફરાબાદ પંથકમાં ૩.૮૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલી પ્રોપર (શહેરમાં) પણ ૨.૦૧ ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોટાભાગના નદી, નાળા અને સ્થાનિક ડેમોમાં પાણીની ભારે આવક થતાં વહીવટી તંત્ર દ્વારા કાંઠાના ગામોને સાવધ કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

અમરેલી જિલ્લાની બહાર પણ રાજ્યના અન્ય વિસ્તારોમાં મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં ૩.૮૫ ઈંચ, કોડિનારમાં ૧.૯૭ ઈંચ અને ગીરગઢડામાં ૨.૩૬ ઈંચ વરસાદ નોંધાયો છે.

ભાવનગરના મહુવા તાલુકામાં પણ ૨.૪૪ ઈંચ પાણી પડ્‌યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠાના વિજયનગરમાં ૩.૫ ઈંચ વરસાદથી મોસમનો મિજાજ બદલાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડામાં ૨.૦૧ ઈંચ અને મધ્ય ગુજરાતના આણંદના તારાપુરમાં ૧.૫૭ ઈંચ વરસાદ નોંધાયો છે.

સરકારી આંકડા મુજબ, આ વિસ્તારો સિવાય રાજ્યના અન્ય ૧૩ તાલુકાઓમાં પણ ૧ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત સક્રિય ભૂમિકા ભજવી રહી છે. પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે અને નાગરિકોને પણ પાણીના વહેણ તથા નદી નાળાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

દરમિયાન ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં વરસાદની નવી અને ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, આગામી કેટલાક દિવસો રાજ્યના અનેક ભાગો માટે આફતરૂપ સાબિત થઈ શકે છે, જેમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી સંભાવના છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ વણસી શકે તેમ હોવાથી ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં શરૂઆતના ત્રણેય દિવસ એટલે કે ૫ જુલાઈથી ૭ જુલાઈ દરમિયાન અત્યંત ભારે વરસાદની આશંકા છે. આ જ રીતે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ૫ જુલાઈના રોજ આભ ફાટે તેવી અત્યંત ગંભીર વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે જેને પગલે આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયું છે.

આ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં કલાકના ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન અને તેજ મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.