Western Times News

Gujarati News

PoKના પ્રદર્શનકારીઓએ ભારત પાસે માંગી માનવીય મદદ

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત તેમનો અવાજ બુલંદ કરે જેથી દુનિયા સામે પાકિસ્તાનનો અસલી ચહેરો બેનકાબ થઈ શકે.

નવી દિલ્હી, પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. પાકિસ્તાની શાસન અને સેનાના દમન સામે ચાલી રહેલા પ્રચંડ વિરોધ પ્રદર્શનો વચ્ચે હવે ત્યાંના સ્થાનિક પ્રદર્શનકારીઓએ ભારત સરકાર અને ભારતીય જમ્મુ-કાશ્મીરના લોકો પાસે માનવીય ધોરણે મદદની ગુહારી લગાવી છે.

પ્રદર્શનકારીઓનો ગંભીર આક્ષેપ છે કે પાક. સેનાએ આ જનઆંદોલનને કચડી નાખવા માટે અનેક વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી, દૂધ અને જરૂરી દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો દબાવી દીધો છે, જેના કારણે સામાન્ય નાગરિકો માટે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે.

સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા સતત પ્રતિબંધો અને સૈન્ય કાર્યવાહીના કારણે પીઓજેકેમાં ભૂખમરો અને સ્વાસ્થ્ય કટોકટી જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે.

પરિસ્થિતિ દિનપ્રતિદિન વધુ વણસી રહી હોવાથી પ્રદર્શનકારીઓએ ભારત સમક્ષ અપીલ કરી છે કે આ મુશ્કેલ સમયમાં તેમને માનવીય સહાય પૂરી પાડવામાં આવે. આ સાથે જ તેમણે માંગ કરી છે કે પાકિસ્તાન દ્વારા થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત તેમનો અવાજ બુલંદ કરે જેથી દુનિયા સામે પાકિસ્તાનનો અસલી ચહેરો બેનકાબ થઈ શકે.

PoJKના રાવલકોટ વિસ્તારમાં પ્રદર્શનકારીઓને સંબોધિત કરતી વખતે જાણીતા એડવોકેટ મેહરા ખ્વાજાના ભાષણ દરમિયાન હજારોની મેદની ઉમટી પડી હતી. તેમણે નિર્દોષ નાગરિકોની બેરહેમીથી કરવામાં આવી રહેલી હત્યાઓ બદલ પાકિસ્તાની સેનાની આકરી આલોચના કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ખ્વાજા રોષપૂર્વક કહી રહ્યા છે કે દુનિયાનો એવો કોઈ કાયદો નથી જે સેનાને પોતાના જ નિર્દોષ નાગરિકો પર ગોળબાર કરવા કે તેમની હત્યા કરવાનો અધિકાર આપતો હોય. તેમણે પાકિસ્તાની નેતૃત્વ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્તમાન શાસકો જનતા સાથે અર્થપૂર્ણ સંવાદ કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે અને તેમણે તાત્કાલિક પદ છોડી દેવું જોઈએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.