Western Times News

Gujarati News

યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વતન સેન્ટ પીટર્સબર્ગને 400 ડ્રોનથી નિશાન બનાવ્યું

પ્રતિકાત્મક

રશિયા પર યુક્રેને નાંખ્યા ૪૦૦ ડ્રોનઃ સૌથી મોટો એર એટેક!

મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચેના આ રક્તરંજિત યુદ્ધને ૧,૫૯૨ દિવસ થઈ ચૂક્્યા છે, છતાં બંને પડોશી દેશો વચ્ચેની દુશ્મની ઓછી થવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અનેક પ્રયાસો છતાં બંને દેશો વચ્ચે સમાધાન કરાવવામાં સફળ રહ્યા નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં બંને દેશો વચ્ચેની લડાઈ વધુ ખતરનાક બની ગઈ છે.

યુક્રેને અગાઉ રશિયાની ઓઇલ રિફાઇનરીઓ અને શોપિંગ સેન્ટરોને નિશાન બનાવી સતત ડ્રોન હુમલા કર્યા હતા, જેના જવાબમાં મોસ્કોએ પણ ભારે પ્રહાર કર્યા હતા. હવે ફરી એકવાર યુક્રેને રશિયાને પડકાર આપ્યો છે. આ વખતે યુક્રેનના ડ્રોન પુતિનના વતન સુધી પહોંચી ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

યુક્રેને શનિવારે રશિયા સામે અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક ડ્રોન હુમલો કરીને સીધા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના વતન સેન્ટ પીટર્સબર્ગને નિશાન બનાવ્યું હોવાનું કહેવાય છે.

રશિયન એજન્સીઓએ પણ કલ્પના કરી નહોતી કે યુદ્ધના મેદાનથી હજારો કિલોમીટર દૂર આવેલું શહેર અચાનક યુદ્ધનું મુખ્ય કેન્દ્ર બની જશે. શનિવારે યુક્રેનના ડ્રોનોએ રશિયાના બીજા સૌથી મોટા શહેર અને પુતિનના વતન સેન્ટ પીટર્સબર્ગમાં હુમલો કર્યો હતો.

આ હુમલામાં સેન્ટ પીટર્સબર્ગનું એક મુખ્ય ઓઇલ ટર્મિનલ નિશાના પર આવ્યું હોવાનું જણાવાયું છે. એટલું જ નહીં, નાટોના સભ્ય દેશ ફિનલેન્ડની સરહદ નજીક આવેલા એક રશિયન બંદર પર પણ યુક્રેને હુમલો કર્યો હોવાનું કહેવાય છે.

આ હુમલો કેટલો ગંભીર હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે યુક્રેનના ડ્રોન રશિયાના ઐતિહાસિક પીટરહોફ પેલેસ કોમ્પ્લેક્સ સુધી પહોંચી ગયા હતા. આ ૧૮મી સદીનો અત્યંત સુંદર અને ઐતિહાસિક શાહી મહેલ છે.

સેન્ટ પીટર્સબર્ગના ગવર્નર એલેક્ઝાન્ડર બેગ્લોવે પણ સ્વીકાર્યું કે ડ્રોનોએ કિરોવ્સ્ક જિલ્લામાં આવેલા ઓઇલ ટર્મિનલને નિશાન બનાવ્યું હતું. જોકે તેમણે દાવો કર્યો કે એર ડિફેન્સ સિસ્ટમે ૭૨ ડ્રોનને તોડી પાડ્યા, જેમાંથી એક પીટરહોફ વિસ્તારમાં પડ્યો હતો. તેમ છતાં આ હુમલાએ રશિયાની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.