પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી ગુજરાતમાં બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર રૂ. ૮૨ કરોડથી વધુના ખર્ચે તેમજ તાપીની અંબિકા નદી પર રૂ. ૭૯ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક રબર ડેમ નિર્માણાધિન
કોઈ મેનપાવર (માણસો) વગર SCADA ઓટોમેશન સીસ્ટમ દ્વારા કમ્પ્યુટરથી જ રબર બ્લેડરમાં હવા ભરવાનું (ઇન્ફ્લેટ) અને હવા ખાલી કરવાનું (ડિફ્લેટ) કાર્ય આસાનીથી થઈ શકશે.
રાજવાસણા રબર ડેમ:
· છોટાઉદેપુરના ‘રાજવાસણા રબર ડેમ’થી ૨૫ ગામોના ૩૪૨૦ હેક્ટર વિસ્તારને થશે સીધો ફાયદો
· ૩.૫ MCM પાણીના સંગ્રહ સાથે હેરણ નદીના પૂર અને કાંપની સમસ્યાનો આવશે કાયમી અંત
· બોડેલીના રાજવાસણા ખાતે હેરણ નદી પર ૩૦ મહિનામાં સાકાર થશે અત્યાધુનિક રબર ડેમ
· હાલની સ્થિતિએ ડેમનું ૭૫ ટકા કામ પૂર્ણ થયું છે
View this post on Instagram
પાઠકવાડી રબર ડેમ:
· જાપાનીઝ ડિઝાઈન આધારિત અદ્યતન ‘રબર ડેમ‘થી ૬૫૦ હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી
· આ રબર બ્લેડર ૫૦ ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ ઉત્તમ કામગીરીની સાથે અંદાજે ૩૦ વર્ષ જેટલું ડેમનું આયુષ્ય
· વર્તમાનમાં આ ડેમની ૯૦ ટકા કામગીરી પૂર્ણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન‘ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈ અને પાણીની સુવિધા સુદ્રઢ કરવાના ધ્યેય સાથે અનેકવિધ ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પર અત્યાધુનિક ‘રાજવાસણા રબર ડેમ’ તેમજ તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર આમ બે આધુનિક રબર ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે જે હાલમાં નિર્માણાધિન છે.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શનમાં રાજવાસણા ખાતે અંદાજે રૂ. ૮૨.૯૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ અનોખો રબર ડેમ આગામી ૩૦ મહિના એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ ડેમ તૈયાર થવાથી આજુબાજુના ૨૫ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે સીધો ફાયદો થશે. જ્યારે તાપીની અંબિકા નદી પર પાઠકવાડી ગામે રૂ. ૭૯ કરોડથી વધુના ખર્ચે જાપાનીઝ ડિઝાઈન આધારિત અદ્યતન ‘રબર ડેમ’ તૈયાર કરવામાં આવી રહ્યા છે.. આ ડેમ તૈયાર થવાથી અંદાજે ૬૫૦ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે જેનો સીધો ફાયદો સ્થાનિક ખેડૂતોને થશે.

રાજવાસણા રબર ડેમની વિશેષતા:
આ પ્રોજેક્ટ અંતર્ગત હેરણ નદી પર ૧૮૦ મીટરની લંબાઈ અને ૩.૫ મીટરની ઉંચાઈ ધરાવતું આધુનિક રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવશે. આ રબર ડેમ ટેકનોલોજીની મુખ્ય ખાસિયત એ છે કે તેનાથી હયાત જુના આડબંધની પાણી સંગ્રહ ક્ષમતામાં અભૂપૂર્વ વધારો થશે અને કુલ ૩.૫ મિલિયન ક્યુબિક મીટર- MCM પાણીનો જથ્થો સંગ્રહિત કરી શકાશે. જેના પરિણામે આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળ સ્તર ખૂબ ઊંચા આવશે જેથી સરળતાથી સિંચાઈ અને પીવાનું પાણી ઉપલબ્ધ થશે. હાલની સ્થિતિએ આ ડેમનું ૭૫ ટકા કામ પૂર્ણ થયું છે.
અન્ય ફાયદા –સિલ્ટ અને કાંપ મુક્તિ:
જુના આડબંધમાં જમા થતી રેતી અને કાંપને કારણે પાણીની સંગ્રહ ક્ષમતા ઘટતી હતી, હવે રબર ડેમ પદ્ધતિથી આ સિલ્ટનો સંપૂર્ણ નિકાલ શક્ય બનશે. પૂરથી રક્ષણ (Flood Control): ચોમાસા દરમિયાન ભારે પૂરની સ્થિતિમાં રબર ડેમને ‘ડીફ્લેટ’ (હવા કાઢીને બેસાડી) કરી શકાશે, જેથી પૂરના પાણીનો ઝડપી નિકાલ થતાં આસપાસના ગામોને નુકસાનથી બચાવી શકાશે. નદીના ડાબા કાંઠે ૯૦૦ મીટર અને જમણા કાંઠે ૫૦૦ મીટર લાંબી ફ્લડ પ્રોટેક્શન વોલ (સંરક્ષણ કાર્ય) પણ કરવામાં આવશે.
૧૦ વર્ષ સુધી સંચાલન:
આ કોન્ટ્રાક્ટમાં જ આગામી ૧૦ વર્ષ સુધી ઓપરેશન અને મેઇન્ટેનન્સ (O&M) નો સમાવેશ થાય છે, જેથી ટેકનિકલ સુવિધા અવિરત કાર્યરત રહેશે.
૨૫ ગામોના ૩૪૨૦ હેક્ટર વિસ્તારને મળશે સંજીવની: આ રબર ડેમ સાકાર થવાથી આડબંધ આધારિત નહેરો દ્વારા વિસ્તારના ખેડૂતોને રવી (શિયાળુ) અને ખરીફ (ચોમાસુ) એમ બંને સિઝનમાં ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે. એટલું જ નહીં, ભવિષ્યમાં રાજવાસણા આડબંધ યોજનાની નહેરોને આસપાસના ૨૫ જેટલા લાભદાયી ગામોના તળાવો સાથે જોડી દેવામાં આવશે. આ વધારાના પાણીથી ગામના તળાવો ભરાતા સમગ્ર પંથકમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા કાયમ માટે ભૂતકાળ બની જશે.
પાઠકવાડી રબર ડેમ વિષે:
પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને બારેમાસ વહેતી નદીઓ ધરાવતા દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં જળસંચય ક્ષેત્રે એક ઐતિહાસિક અને આધુનિક ક્રાંતિ થવા જઈ રહી છે. તાપી જિલ્લાના અંતરિયાળ એવા ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ પાસેથી પસાર થતી અંબિકા નદી પર સરકારશ્રી દ્વારા ₹૭૯.૧૩ કરોડના ખર્ચે અદ્યતન ‘એર-ફિલ્ડ રબર ડેમ‘ (હવા ભરેલા ડેમ) બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ યોજના સાકાર થતાં પાઠકવાડી સહિત ઢોડીયાવાડ, ઉનાઈ અને સિંધઈ જેવા ગામોના ખેડૂતોને ખરીફ તેમજ ઉનાળુ પાક માટે પૂરતું પાણી મળી રહેશે.વર્તમાનમાં આ ડેમની ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે.
ભૌગોલિક પડકાર સામે આધુનિક ટેકનોલોજીનો ઉત્કૃષ્ટ ઉપાય:
તાપી જિલ્લાનો આ વિસ્તાર સમતળ હોવાના કારણે અને નદીના કાંઠા નીચા હોવાના કારણે અહીં પરંપરાગત રીતે વધારે ઊંચાઈ ધરાવતા ચેકડેમ કે વીયર સ્ટ્રક્ચરનું બાંધકામ શક્ય નહોતું. સ્થાનિક ખેડૂત આગેવાનો અને વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણીની રજૂઆતને પગલે વિભાગ દ્વારા સર્વેક્ષણ હાથ ધરાયું હતું. જેમાં પરંપરાગત બેરેજના બદલે વધુ જળસંગ્રહ ક્ષમતા ધરાવતી જાપાનીઝ ટેકનોલોજીનો ‘એર-ફિલ્ડ રબર ડેમ‘ બનાવવાનો નવતર નિર્ણય લેવામાં આવ્યો છે.
જાપાનીઝ ડિઝાઈન અને કોરીયન રબર બ્લેડરની ખાસિયત:
આ અનોખા ડેમની સંપૂર્ણ ડિઝાઇન જાપાનીશ કોડ ૨૦૦૦ મુજબ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં વપરાનાર ખાસ પ્રકારનું રબર બ્લેડર દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવ્યું છે, જેની જાડાઈ ૧૮ MM થી ૩૨ MM સુધીની છે. આ રબર બ્લેડર ૫૦ ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ ઉત્તમ કામગીરી આપવા સક્ષમ છે અને તેનો આયુષ્યકાળ અંદાજીત ૩૦ વર્ષ જેટલો લાંબો છે.
SCADA ઓટોમેશનથી થશે સંચાલન:
આ ડેમની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમાં કોઈ મેનપાવર (માણસો) વગર SCADA ઓટોમેશન સીસ્ટમ દ્વારા કમ્પ્યુટરથી જ રબર બ્લેડરમાં હવા ભરવાનું (ઇન્ફ્લેટ) અને હવા ખાલી કરવાનું (ડિફ્લેટ) કાર્ય આસાનીથી થઈ શકશે. ૨.૦૦ મીટરના કોન્ક્રીટ બેઝ ઉપર ૨.૫૦ મીટરનું રબર બ્લેડર “J” બોલ્ટથી ફિક્સ કરાશે, જેથી ડેમની કુલ ઊંચાઈ ૪.૫૦ મીટર અને કુલ લંબાઈ ૨૮૦ મીટર (૪ સ્પાન) થશે.
ચોમાસામાં પૂર અને જમીન ધોવાણ અટકશે:
પરંપરાગત સ્ટીલ ગેટેડ ડેમની સરખામણીએ રબર ડેમ ચોમાસામાં પૂર દરમિયાન નદીના પ્રવાહને બિલકુલ અવરોધતો નથી, જેથી કાંઠાની જમીનનું ધોવાણ અટકશે. ઉપરાંત, રબરની હવા નીકાળી દેતાં નદીમાં તણાઈ આવતો કાંપ આસાનીથી વહી જશે, જેના કારણે ડેમની જળસંગ્રહ ક્ષમતા વર્ષો સુધી જળવાઈ રહેશે.
૬૫૦ હેક્ટર જમીનને સંજીવની અને કુવાઓના સ્તરમાં વધારો:
આ આધુનિક રબર ડેમ થકી આશરે ૩.૫૦ લાખ ઘન મીટર (3.50 MCM) જેટલા વિશાળ પાણીના જથ્થાનો સંગ્રહ થશે. જેના સીધા ફાયદા સ્વરૂપે આસપાસની ૬૫૦ હેક્ટર જમીન સીંચાઈ હેઠળ આવશે. એટલું જ નહીં, આસપાસના વિસ્તારોના કૂવા અને બોરના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા સ્થાનિક લોકોને પીવાના શુદ્ધ પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. ભવિષ્યમાં આ ટેકનોલોજી દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં ભળતું અટકાવવા ‘ટાઇડલ રેગ્યુલેટર‘ તરીકે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે.
