Western Times News

Gujarati News

હરિદ્વારમાં પુજારીઓ માટે વિશેષ યુનિફોર્મ, રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ

હરિદ્વારના પ્રસિદ્ધ મંદિરમાં નવા નિયમો જાહેર

આગામી ૨ થી ૩ દિવસમાં તમામ પુજારીઓ માટે ખિસ્સા વગરનો ખાસ યુનિફોર્મ તૈયાર કરવામાં આવશે

હરિદ્વાર, ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા મનસા દેવી મંદિર ટ્રસ્ટ દ્વારા ચઢાવાની વ્યવસ્થાને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં ફરજ બજાવતા તમામ પુજારીઓ હવે ફરજ દરમિયાન ખિસ્સા વગરના ખાસ કુર્તા પહેરીને જ સેવા આપશે, જેથી કોઈ પણ પુજારી ચઢાવાના પૈસા પોતાના ખિસ્સામાં ન મૂકી શકે. રામ મંદિરમાં ચઢાવાને લઈને સામે આવેલા વિવાદો બાદ મનસા દેવી મંદિર પ્રશાસને આ મોટું પગલું ભર્યું છે.

આગામી ૨ થી ૩ દિવસમાં તમામ પુજારીઓ માટે ખિસ્સા વગરનો ખાસ યુનિફોર્મ તૈયાર કરવામાં આવશે, જે ફરજ દરમિયાન પહેરવો ફરજિયાત રહેશે.૭ સદસ્ય સમિતિની રચનાઃ મંદિરમાં આવતા ચઢાવા, સાફ-સફાઈ અને અન્ય વ્યવસ્થાઓ પર નજર રાખવા માટે ૭ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના સભ્યોને શપથ પણ લેવડાવવામાં આવ્યા છે. FIR ની જોગવાઈઃ જો કોઈ પણ પુજારી કે કર્મચારી ચઢાવાની રકમમાં ગેરરીતિ કરતા પકડાશે, તો તેની સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, અને જરૂર પડ્યે FIR પણ નોંધાવાશે.

સમગ્ર વ્યવસ્થા પર CCTV કેમેરા દ્વારા પણ નજર રખાશે.પ્રસાદનું રિસાયકલિંગ બંધઃ મંદિરમાં એકવાર ચઢાવવામાં આવેલ નાળિયેર, ફૂલ કે અન્ય કોઈ પણ પ્રસાદ બીજીવાર ચઢાવી શકાશે નહીં. પ્રસાદના રિસાયકલિંગની પરંપરા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.મા મનસા દેવી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મહંત ડૉ. રવીન્દ્ર પુરી મહારાજે સોમવારે આ નિર્ણયોની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ‘હાલના સમયમાં દેશના મોટા સનાતન મંદિરો અને મઠોને સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો મૂકીને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આથી મંદિરો વિવાદોથી દૂર રહે, અને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ અતૂટ રહે, તે માટે આ કડક મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.’ તેમણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો બચાવ કરતા કહ્યું કે, કોઈ એક વ્યક્તિની ભૂલ માટે સંસ્થાના વડાને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.