ચાંદીપુરા વાયરસ સામે ગભરાવાની નહીં, સાવચેતી રાખવાની જરૂર;
પ્રતિકાત્મક
ગોધરા તાલુકાના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વે અને દવા છંટકાવની કામગીરી ચાલુ: આરોગ્ય મંત્રીશ્રી
ગોધરા, તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવવાથી મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. આરોગ્ય વિભાગે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. જે ગામોમાં કેસ મળી આવ્યા હતા, ત્યાં તપાસ દરમિયાન ‘સેન્ડ ફ્લાય‘ નામની માખી જોવા મળી છે. આ માખી સામાન્ય રીતે માટીના કાચા મકાનોની તિરાડોમાં રહેતી હોય છે, જેથી આજુબાજુના તમામ ઘરોમાં અને સમગ્ર વિસ્તારમાં દવાનો સઘન છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે, તેમ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું.
આ ચાંદીપુરા વાયરસના નિયંત્રણ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બે ગામોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો બાદ લેબોરેટરી રિપોર્ટમાં બે બાળકોના ચાંદીપુરા વાયરસથી દુઃખદ મૃત્યુ થયાની પુષ્ટિ થતાં જ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક અને વધુ ગંભીર બન્યું છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, ગોધરા અને વડોદરા મેડિકલ કોલેજની બે વિશેષ ટીમો બંને અસરગ્રસ્ત ગામોમાં પહોંચી ગઈ છે અને ગોધરા તાલુકાની આરોગ્ય ટીમો ઘરે-ઘરે જઈને સઘન સર્વે તથા તપાસ કરી રહી છે. અગાઉ વર્ષ ૨૦૨૪માં જે જિલ્લાઓ અને ગામોમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળ્યા હતા, તે તમામ ગામોમાં પણ તકેદારીના ભાગરૂપે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
વધુમાં, તમામ આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ અને પાવડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. જો કોઈ પણ બાળકમાં તાવ, ઉલ્ટી, ખેંચ કે બેભાન થવા જેવા શંકાસ્પદ લક્ષણો જણાય, તો તુરંત જ ઈલાજ માટે નજીકના આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરવા મંત્રીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને આશ્વસ્ત કરતા ઉમેર્યું હતું કે, હાલ પૂરતા આ બે ગામો સિવાય અન્ય કોઈ જગ્યાએ ચાંદીપુરા વાયરસના કેસ પ્રાપ્ત થયા નથી. જનતાએ ગભરાવાની બિલકુલ જરૂર નથી, પરંતુ માત્ર થોડી સાવચેતી રાખવાથી આપણે આ રોગને આગળ વધતો અટકાવી શકીશું. કાચા મકાનોની તિરાડો પૂરવી, ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી અને બાળકોને મચ્છર કે માખી કરડે નહીં તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ બેઠકમાં ગ્રામ્ય આરોગ્ય કમિશનર શ્રી રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય અધિક નિયામક ડૉ. નીલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
