Western Times News

Gujarati News

રેકોર્ડબ્રેક આતશબાજી બાદ વોશિંગ્ટન ડીસીમાં ‘કોડ રેડ’ ઍલર્ટ, હવા ઝેરી બનતાં હાલાકી

ટ્રમ્પના આદેશ પર ૪૦ મિનિટમાં સાડા ૮ લાખ ફટાકડાં ફોડ્યા

વર્લ્ડ રેકોર્ડનો દાવોઃ આ શોમાં અંદાજે ૮,૫૦,૦૦૦ જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો

વોશિગ્ટન, અમેરિકાના ૨૫૦ મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવેલી ૪૦ મિનિટની રેકોર્ડબ્રેક આતશબાજી હવે ભારે પડી રહી છે. આ ભયાનક ફટાકડાના ધુમાડાના કારણે રવિવારે વોશિંગ્ટન ડીસીની હવા વૈશ્વિક સ્તરે દુનિયાના કોઈ પણ મુખ્ય શહેર કરતાં સૌથી વધુ પ્રદૂષિત અને ઝેરી નોંધાઈ હતી. શહેરમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ‘કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રદૂષણનું મોનિટરિંગ કરતી વૈશ્વિક સંસ્થા ‘IQAir’ ના રેન્કિંગમાં વોશિંગ્ટન ડીસી થોડા સમય માટે દુનિયામાં પ્રથમ નંબરે પહોંચી ગયું હતું. જો કે રવિવારે સાંજે તે ૨૬મા ક્રમે સરક્યું હતું. નાગરિકોને ચેતવણીઃ અધિકારીઓએ રહેવાસીઓને બહાર જવાનું મર્યાદિત કરવા જણાવ્યું છે. આ પ્રદૂષિત હવા બાળકો, વડીલો અને શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

N95 માસ્ક પહેરવાની ભલામણઃ મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, આતશબાજીના કારણે સેન્ટ્રલ ડીસીમાં ‘અત્યંત બિનઆરોગ્યપ્રદ’ સ્થિતિ સર્જાવાની આશંકા પહેલાથી જ હતી અને લોકોને બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાની સલાહ અપાઈ હતી.આ ભવ્ય આતશબાજીનું આયોજન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનવાળી એક નોન-પ્રોફિટ સંસ્થા ‘ફ્રીડમ 250’ દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૦ જગ્યાએથી આતશબાજીઃ નેશનલ મોલ, પોટોમેક નદી અને વેસ્ટ પોટોમેક પાર્ક સહિત ૧૦ મુખ્ય સ્થળો પરથી લાખો ફટાકડા છોડવામાં આવ્યા હતા.

વર્લ્ડ રેકોર્ડનો દાવોઃ આ શોમાં અંદાજે ૮,૫૦,૦૦૦ જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ અગાઉ ૨૦૧૬માં ફિલિપિન્સમાં ૮.૧૦ લાખ ફટાકડા ફોડવાનો રેકોર્ડ હતો. વોશિંગ્ટનનો આ શો ન્યૂયોર્કના પ્રખ્યાત મેસીસ શો કરતાં પણ ૧૦ ગણો મોટો હતો.આ ભયાનક પ્રદૂષણ એવા સમયે ફેલાયું જ્યારે વોશિંગ્ટન અને આસપાસના વિસ્તારો ભારે હીટ વેવ (ગરમી) નો સામનો કરી રહ્યા હતા. શનિવારે તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું, જેના કારણે નેશનલ મોલ ખાતે આતશબાજી પહેલાં કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી.

હેલ્થ ઓફિસર ડૉ. કિશા ડેવિસે આતશબાજી પહેલાં જ ચેતવણી આપી હતી કે, “આજની હવામાં શ્વાસ લેવો એટલે સિગારેટ પીતા પીતા મેરેથોન દોડવા સમાન છે.” રિપોર્ટ અનુસાર, શુક્રવાર મધ્યરાત્રિથી રવિવાર સવાર સુધીમાં નેશનલ મોલ ખાતેથી સેંકડો દર્દીઓએ સારવાર મેળવી હતી. જેમાંથી ૪૦ થી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.

જો કે, આ બીમારી ગરમીના કારણે હતી કે પ્રદૂષણના કારણે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.આ ભવ્ય અને વિવાદાસ્પદ આતશબાજી પહેલાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૪૦ મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. બાદમાં સોશિયલ મીડિયા પર આતશબાજીના વખાણ કરતા ટ્રમ્પે લખ્યું કે, “મેં અત્યાર સુધી જોયેલો આ સૌથી શાનદાર ફટાકડાનો શો હતો. અદભુત કામગીરી માટે ખૂબ ખૂબ અભિનંદન!”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.