Western Times News

Gujarati News

પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

કેસમાં પંચ સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા

કોર્ટે કસૂરવાર ઠેરવી ૬ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૨,૦૦૦નો દંડ ફટકાર્યાે

અમદાવાદ, શહેરના મેઘાણીનગર વિસ્તારમાં વર્ષ ૨૦૧૭માં પાનના ગલ્લા પર પાકીટને અડવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારમાં એક યુવકના પેટમાં છરાના ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના ચકચારી કેસમાં કોર્ટે મુખ્ય આરોપી વિશાલ ખેંગારભાઈ રબારીને કસૂરવાર ઠેરવી ૬ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૨,૦૦૦નો દંડ ફટકાર્યાે છે. જ્યારે પુરાવાના અભાવે સહ-આરોપી અમરતભાઈ મયજીભાઈ રબારીને નિર્દાેષ છોડી મૂકવાનો હુકમ કર્યાે છે.

નોંધનીય છે કે, ભોગ બનનાર જુબાની આપ્યાના ગણતરીના મહિનામાં જ મૃત્યુ પામ્યો છે. આમ ચુકાદો આવ્યો તે પહેલાં ફરિયાદી જ આ દુનિયામાં નથી. ૭ જુલાઈ ૨૦૧૭ના રોજ રાત્રે આશરે સવા અગિયાર વાગ્યે ફરિયાદી અમિતકુમાર કુશ્વાહના મોટાભાઈ અખિલેશકુમાર તેમના મિત્ર સત્યપ્રકાશ મિશ્રા સાથે કુબેરનગર બંગ્લા એરિયામાં આવેલા સાંઈ પાન પાર્લર ખાતે પાન-મસાલો ખાવા ગયા હતા. આ સમયે આરોપી અમરત રબારીનો હાથ અખિલેશના પેન્ટના પાછળના ખિસ્સામાં રહેલા પાકીટ સાથે અડ્યો હતો.

અખિલેશે ‘જોઈને અને સાચવીને ચાલો’ તેમ કહેતા અમરત અને વિશાલ રબારી ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી શર્ટનો કોલર પકડી લીધો હતો. આ દરમિયાન આરોપી વિશાલ રબારીએ પોતાની પાસે રહેલો તીક્ષ્ણ છરો કાઢીને અખિલેશના પેટના ભાગે બંને સાઈડ ગંભીર ઘા ઝીંકી દીધા હતા. અખિલેશને ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયા હતા, ઓપરેશન કરવું પડ્યું હતું આ મામલે મેઘાણીનગર પોલીસે વિશાલ અને અમરત રબારી સામે ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો.

જેમાં ફરિયાદ પક્ષે એડવોકેટ કાર્તિક ભરવાડ અને બી.એન.સિંઘે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીઓને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, દસ્તાવેજી પુરાવા જોતા પણ કેસ નિઃશંક પણે પુરવાર થાય છે, આવા કિસ્સા વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સજા કરવી જોઇએ. આવી દલીલ બાદ કોર્ટે મુખ્ય આરોપી વિશાલ રબારીને છ વર્ષની કેદની સજા ફટકારી છે.

જ્યારે અમરત રબારીને કોર્ટે પુરાવાના અભાવે નિર્દાેષ છોડ્યો છે. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પી.બી. પટેલે ચુકાદો આપતા નોંધ્યું હતું કે, ભલે આ કેસમાં પંચ સાક્ષીઓ હોસ્ટાઈલ (ફરી ગયા) થયા હોય, પરંતુ ભોગ બનનાર અખિલેશકુમારની જુબાની અને કોર્ટ સમક્ષ આરોપીઓની કરાયેલી ઓળખ અત્યંત મજબૂત પુરાવો છે. આ ઉપરાંત સારવાર કરનાર મહિલા તબીબની જુબાની અને મેડિકલ સર્ટિફિકેટથી સાબિત થાય છે કે ઈજાઓ જીવલેણ હતી અને જો સમયસર સારવાર ન મળી હોત તો કુદરતી ક્રમમાં મૃત્યુ નીપજી શકત. ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.