Western Times News

Gujarati News

ચરોતરમાં પાંચ અલગ અલગ માર્ગ અકસ્માતમાં છ નાં મોત

ચિખોદરા અને વણસોલમાં બાઈકની ટક્કરે એક રાહદારી અને પ્રોઢનું મોત

કઠાણામાં ટ્રેક્ટરની ટક્કરથી ૯ વર્ષના છાત્રનું જ્યારે મહેમદાવાદ રોડ પર પિતા-પુત્રી અને ભાટેરા નજીક બાઈકચાલકનું મોત નિપજ્યું

આણંદ/નડિયાદ, ચરોતરમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન પાંચ સ્થળોએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૬ વ્યક્તિઓનાં મોત થયા હતા. આ અંગે આણંદ રૂરલ, ઉમરેઠ તથા વિરસદ મહેમદાવાદ અને કઠલાલ પોલીસમથકમાં ફરિયાદો નોંધાઈ છે.પ્રથમ ઘટનામાં ઉમંગભાઈ ઠક્કરના સસરા રાજુભાઈ વસાવા ગઈકાલે રાત્રીના સુમારે મન્ચુરીયન લેવા માટે ચાલતા ચિખોદરા ચોકડી તરફ જવા નીકળ્યા હતા. દરમ્યાન રાત્રીના ૮ વાગ્યાના સુમારે તેઓ રાજ મોટર્સ પાસેથી પસાર થતા રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા બાઈકની ટક્કરે તેઓ રોડ પર પડી ગયા હતા.

જેમાં માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમને તરત જ સારવાર માટે આણંદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતુ. આ અંગે આણંદ રૂરલ પોલીસે બાઈકચાલક સામે ગુનો દાખલ કર્યાે છે.

બીજા બનાવમાં નડિયાદ તાલુકાના પાલડી ગામે રહેતા ચંદુભાઈ સોઢા પરમાર ગઈકાલે રાત્રે ટ્રેકટરમાં લાકડા ભરીને નડિયાદ જવા નીકળ્યા હતા. તેઓ ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે વણસોલ તરફથી આવતા એક બાઈક તેમને જોરદાર ટક્કર મારી હતી. જેથી ચંદુભાઈને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. બાઈકચાલક પણ ઘાયલ થયો હતો.બંનેને તરત જ ૧૦૮ વાનમાં અલીન્દ્રા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ ચંદુભાઈને મૃત્યુ પામેલ જાહેર કર્યા હતા. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજી ઘટનામાં બોરસદ તાલુકાના કઠાણા ગામે રહેતા શિલ્પાબેન સોલંકીનો પુત્ર ધૈર્યરાજ (ઉ. વ. ૯)સોમવારે સાંજના સ્કુલ છુટ્યા બાદ તે સાયકલ લઈને સ્કુલેથી ઘર તરફ જતાં શીતળા માતાના મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા ટ્રેક્ટરની ટક્કર વાગતાં ધેર્યને છાતી તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી બોરસદ અને ત્યાંથી વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં સારવાર દરમ્યાન અવસાન થયું હતુ. આ અંગે વિરસદ પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યાે હતો.

જ્યારે ચોથા બનાવમાં ખેડા-મહેમદાવાદ રોડ પર મુક્તજીવન સ્વામીબાપા ફાર્મ નજીક આઈશર અને રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રીનું સ્થળ પર જ મોત થયું છે.કઠલાલ તાલુકાના છીપીયાલ ગામથી પરિવારના સભ્યો રિક્ષામાં બેસી દીકરીને ત્યાં જઈ રહ્યા હતા, ત્યારે છાપરા સીએનજી પંપ નજીક સામેથી આવી રહેલા આઈશર સાથે રિક્ષા અથડાઈ હતી. આ અકસ્માતમાં લક્ષ્મણભાઈ ડાભી (ઉં. ૬૫) અને તેમની પુત્રી વિલાસબેન ડાભી (ઉં. ૪૦) ના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

રિક્ષામાં સવાર રૂહીબેન ડાભી (ઉં. ૮), જશોદબેન લક્ષ્મણભાઈ ડાભી (ઉં. ૬૫) અને જગદીશભાઈ ડાભી (ઉં. ૩૮) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ખેડા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.પાંચમી ઘટના કઠલાલ તાલુકાના ભાટેરા ગામ નજીક બની હતી, જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે સામસામે ગંભીર ટક્કર સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલકને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.