Western Times News

Gujarati News

શેરબજારમાં ૨૦ ટકા વળતરની લાલચ આપી ૧.૦૩ કરોડની છેતરપિંડી

નોટો ગણવાના મશીનો બતાવી રોકાણકારોને વિશ્વાસમાં લીધા

ફરિયાદકા ગામના બે ભેજાબાજોએ રચ્યું આયોજિત કાવતરું, વરતેજ પોલીસ મથકે ગુનો દાખલ

ભાવનગર,ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરબજાર માર્કેટીંગમાં રોકાણના નામે દર મહિને ૨૦ ટકા જેટલું ઊંચું વળતર આપવાની લોભામણી સ્કિમ બતાવી કુલ રૃ.એક કરોડ ત્રણ લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સનસનાટી ભર્યાે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.સીદસર ગામના આંબેડકરનગર ખાતે રહેતા અને કરિયાણા અને પાન-માવાની દુકાન ચલાવતા ગૌતમભાઈ ઉકાભાઈ ચૌહાણે આશરે સાત મહિના પહેલા યોગેશ વેલજીભાઈ ધામેચા તેમની દુકાને આવ્યો હતો. અને પોતે તથા તેનો પિતરાઈ ભાઈ સંજય મૂળજીભાઈ ધામેચા (બંને રહે. ફરિયાદકા) શેરબજારનો મોટો બિઝનેસ કરતા હોવાની ગુલબાંગો ફેંકી હતી.

ગૌતમભાઈ જ્યારે ફરિયાદકા ગામે સંજય ધામેચાના ઘરે ગયા, ત્યારે ત્યાં લોકોની ભીડ અને પૈસા ગણવાના ૪ મશીનો જોઈને તેઓ અંજાઈ ગયા હતા. બન્ને શખ્સે ઇન્કમટેક્સથી બચવાના બહાને રોકાણના બદલે ‘ઉછીના નાણાં’ આપ્યા હોવાના લખાણ સાથે રૃ. ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર સહીઓ કરી આપી પાકો વિશ્વાસ જીત્યો હતો. ઓનલાઈનના બદલે માત્ર રોકડા રૃપિયા જ સ્વીકારવામાં આવતા હતા.

ગૌતમભાઈએ કટકે-કટકે રૃ. ૧૦ લાખનું રોકાણ કર્યું હતું, જેની સામે તેમને વળતર પેટે માત્ર રૃ. ૭૫,૫૦૦ જ પરત મળ્યા હતા. આ જ રીતે તેમના અન્ય ૬ ઓળખીતાઓ કિશોરભાઈ, નિલેશભાઈ, સંદિપભાઈ, અજયભાઈ, કરણભાઈ અને અનીલભાઈ પાસેથી પણ રૃ. ૧,૧૧,૫૦,૦૦૦ નું રોકાણ કરાવી, તેમાંથી માત્ર રૃ.૧૭,૬૦,૦૦૦ પરત આપી બાકીની મોટી રકમ ગઠિયાઓ રૃ.૧,૦૩,૧૪,૫૦૦ ઓળવી ગયા હતા.આ બનાવ સંદર્ભે વરતેજ પોલીસે ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માર્ચ ૨૦૨૬થી વળતર બંધ થતાં અને ચૂંટણીનું બહાનું કાઢયા બાદ બંને શખ્સો પોતાના મોબાઈલ ફોન બંધ કરી પરિવાર સાથે ફરાર થઈ ગયા છે. ગૌતમભાઈના મતે, આ ભેજાબાજોએ અંદાજે ૧૫૦૦ થી વધુ રોકાણકારો સાથે રૃ. ૫૦ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાની આશંકા છે.સીદસર ખાતે રહેતા કિશોરભાઈ અરજણભાઈ ચૌહાણના રૃ.૧૨,૫૦,૦૦૦, બોરતળાવ મફતનગર ખાતે રહેતા નિલેશભાઈ જેન્તીભાઇ રાઠોડના રૃ.૭,૦૦,૦૦૦, ચિત્રા સિદસર રોડ ખાતે રહેતા સંદીપભાઈ ધીરુભાઈ સોલંકીના રૃ.૨૦,૦૦,૦૦૦, બોરતળાવ મફતનગર ખાતે રહેતા અજયભાઈ રાયસગભાઈ રાઠોડના રૃ.૨,૫૦,૦૦૦, ફરિયાદકા ખાતે રહેતા કરણભાઈ મેઘજીભાઈ રાઠોડના રૃ.૪૬,૫૦,૦૦૦ અને ફરિયાદકા ગામે રહેતા અનિલભાઈ ગણેશભાઈ રાઠોડના રૃ.૫,૪૦,૦૦૦ તથા ગૌતમભાઈના રૃ.૯,૨૪,૫૦૦ મળી કુલ રૃ.૧,૦૩,૧૪,૫૦૦ની રકમ બન્ને ગઠિયા ઓળવી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.