NIA દ્વારા ગુજરાત સહિત દેશના 10 રાજ્યોમાં 20 સ્થળોએ દરોડા
પ્રતિકાત્મક
- આંધ્ર પ્રદેશના આતંકવાદ અને કટ્ટરપંથીકરણ કેસ અંતર્ગત આ મોટી કાર્યવાહી. UPના બુલંદશહરમાં હવાલા અને ટેરર ફંડિંગના આરોપીઓ પર દરોડા.
-
શંકાસ્પદ વેપારીના ઘરેથી મોટી રોકડ મળતા નોટો ગણવાના મશીનો મંગાવાયા -આરોપીઓ વિદેશી હેન્ડલરના ઈશારે ISIS અને અલ-કાયદાનું નેટવર્ક ફેલાવતા હતા.
નવી દિલ્હી, આતંકવાદી ષડયંત્રના એક કેસના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળો સાથે મળીને બુધવારે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં 20 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવી રહ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
આ દરોડા NIAની વિશાખાપટ્ટનમ (VSKP) બ્રાન્ચમાં નોંધાયેલા આતંકવાદ સાથે જોડાયેલા કટ્ટરપંથીકરણ (રેડિકલાઈઝેશન) કેસની તપાસના ભાગરૂપે કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તપાસ ગત 22 માર્ચે વિજયવાડા પોલીસ દ્વારા મોહમ્મદ રહેમતુલ્લા શરીફ નામના કટ્ટરપંથી વ્યક્તિની ધરપકડ બાદ શરૂ થઈ હતી.
આ દરોડા ઉત્તર પ્રદેશમાં પાંચ, આંધ્ર પ્રદેશમાં ચાર, મહારાષ્ટ્રમાં ત્રણ, દિલ્હીમાં બે અને બિહાર, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, તેલંગાણા તેમજ પશ્ચિમ બંગાળમાં એક-એક સ્થળે પાડવામાં આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં, NIA દ્વારા કોસ્મેટિક્સના વેપારી અબ્દુલ કાદિર અને તેના બે ભાઈઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય પર હવાલા, ટેરર ફંડિંગ (આતંકવાદીઓને નાણાકીય સહાય) અને મની લોન્ડરિંગના આરોપ છે. વિશાખાપટ્ટનમની એક ટીમે ત્રણ વાહનોમાં આવીને બુધવારે સવારે આ ત્રણેય સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. શહેરના ઈંટા રોડી વિસ્તારમાં હાલ આ કાર્યવાહી ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAની ટીમને અબ્દુલ કાદિર અને તેના બે ભાઈઓ ફૈઝલ અને બિલાલના ઘરેથી મોટી માત્રામાં રોકડ મળી આવી છે, જેના કારણે નોટો ગણવાના મશીનો મંગાવવામાં આવ્યા છે. ઘરની બહાર બે પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો તૈનાત કરાયો છે અને ટીમ અંદર નોટોની ગણતરી કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ મોહલ્લા ઈંટા રોડી અને તેની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે. કોઈ પણ બહારની વ્યક્તિને દરોડાના સ્થળ નજીક જવા દેવામાં આવી રહી નથી અને અંદરના લોકોને બહાર આવવાની મનાઈ છે.
બીજી તરફ, આંધ્ર પ્રદેશના વિજયવાડામાં પણ NIAના અધિકારીઓએ વિંચીપેટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ NIAને સોંપવામાં આવેલો આ કેસ કથિત આતંકવાદી સંબંધો સાથે જોડાયેલો છે.
આ અગાઉ એપ્રિલ મહિનામાં વિજયવાડાના રહેવાસી મોહમ્મદ રહમતુલ્લા શરીફ (23), મોહમ્મદ દાનિશ (27), મિર્ઝા સોહેલ બેગ (23); હૈદરાબાદની સઈદા બેગમ (38) અને બેલ્લારી (કર્ણાટક)ના અબ્દુલ સલામની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓએ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાની તેમની કથિત યોજનાઓની વિગતો શેર કરી હતી. આ તપાસના ભાગરૂપે જ NIAના અધિકારીઓ આરોપીઓના રહેઠાણો પર સર્ચ કરી રહ્યા છે જેથી જાણી શકાય કે તેઓ અન્ય કોઈ વ્યક્તિઓ કે સંગઠનો સાથે જોડાયેલા હતા કે નહીં.
તપાસકર્તાઓને અગાઉ જાણવા મળ્યું હતું કે આ આતંકવાદી નેટવર્ક કેસના આરોપીઓ વિદેશી હેન્ડલર અલ-હકીમ શુકુરના ઈશારે ભારતમાં AQIS (અલ-કાયદા) અને ISISની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા માટે કથિત રીતે કામ કરી રહ્યા હતા.
‘અલ-મલિક ઈસ્લામિક યુથ’ નામનું જૂથ બનાવનારા આ આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ શરૂઆતથી જ જેહાદી માનસિકતા ધરાવતા હતા, પરંતુ શુકુરના સંપર્કમાં આવ્યા બાદ આ માનસિકતા વધુ દ્રઢ બની હતી. આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેના નિર્દેશ પર તેઓ દેશમાં AQIS અને ISISનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને યુવાનોને આત્મઘાતી હુમલા કરવા માટે ઉશ્કેરતા હતા.
આરોપીઓ વિરુદ્ધ વિજયવાડા ટૂ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) અધિનિયમ (UAPA), BNS અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ FIRમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, બિહાર, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોના 12 આરોપીઓના નામ સામેલ છે.
