Western Times News

Gujarati News

સુરત સિવિલમાં હવે નવજાત શિશુઓને ‘ડિજિટલ કવચ’- ચિપ આધારીત RFID ટેગ સિસ્ટમ કાર્યરત

બાળચોરી અટકાવવા તંત્રની નવતર પહેલઃ એન.આઈ.સી.યુ. વોર્ડના દરવાજે કોઇ શંકાસ્પદ હલચલ થશે તો તુરંત જ સાયરન વાગશે અને સુરક્ષા સ્ટાફ એલર્ટ થઈ જશે

સુરત, સરકારી હોસ્પિટલોમાં અવાર નવાર બનતી નવજાત શિશુઓની ચોરી કે અદલાબદલીની ઘટનાઓ પર કાયમી બ્રેક મારવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક એક પ્રશંસનીય અને આધુનિક ડિજિટલ પહલ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના હાર્દ સમાન નવજાત શિશુ સઘન સારવાર એકમ (એન.આઈ.સી.યુ.) ખાતે હાઇટેક ‘રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન’(આર.એફ.આઈ.ડી.) સિસ્ટમ અમલી બનાવી દેવામાં આવી છે. આ સિસ્ટમ લાગુ થતા જ હવે સિવિલ હોસ્પિટલમાં જન્મેલા અને સારવાર હેઠળના માસૂમ બાળકો ફરતે અભેદ ડિજિટલ કવચ તૈયાર થઇ ગયું છે.

સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયક પાસેથી મળેલી માહિતી અનુસાર નવી વ્યવસ્થા અંતર્ગત એન.આઈ.સી.યુ. માં દાખલ કરવામાં આવતા તમામ નવજાત બાળકોના હાથ અથવા પગમાં એક ખાસ પ્રકારનો ડિજિટલ બેન્ડ બાંધવામાં આવે છે. આ વોર્ડના મુખ્ય પ્રવેશદ્વાર અને નિકાસદ્વાર પાસે વિશેષ સેન્સર ધરાવતા રીડર્સ મશીન ફિટ કરવામાં આવ્યા છે,

જો કોઇ વ્યક્તિ તબીબો કે ન‹સગ સ્ટાફની પરવાનગી વિના બાળકને વોર્ડની બહાર લઇ જવાનો પ્રયાસ કરશે, તો સેન્સર મશીન તરત જ તેને ડિટેક્ટ કરી લેશે. આ સાથે જ હોસ્પિટલ પરિસરમાં હાઇ-ડેસિબલ લાઉડ સાયરન(બીપ) વાગવા માંડશે જેનાથી ત્યાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ્‌સ અને મેડિકલ સ્ટાફ સેકન્ડોની અંદર એલર્ટ થઇને શંકાસ્પદ વ્યક્તિને તુરંત ઝડપી પાડશે.

આ આધુનિક સિસ્ટમ એટલી સંવેદનશીલ છે કે કોઇ વ્યક્તિ બાળકના હાથમાંથી આ ડિજિટલ બેન્ડને બળજબરીપૂર્વક કાપવાનો કે તેની સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે, તો પણ કંટ્રોલ રૂમ અને સિક્યુરિટી સિસ્ટમમાં તાત્કાલિક એલાર્મ વાગી જશે. આ ટેગમાં બાળક અને તેના માતા-પિતાની તમામ વિગતો ડિજિટલી લિંક હોવાથી બાળકની ઓળખ સંબંધી ગોટાળાની શક્યતાઓ પણ નહિવત્‌ થઇ જશે.

હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતુ કે, સુરત સિવિલ હોસ્પિટલમાં ભૂતકાળમાં ડિલિવરી રૂમ કે વોર્ડમાંથી અજાણી મહિલાઓ દ્વારા નવજાત શિશુની ચોરી કરવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

જો કે દર વખતે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા હતા, પરંતુ તંત્ર આવી ઘટનાઓ પર કાયમી રોક લગાવવા પ્રતિબદ્ધ હતુ. આખરે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો સહારો લઇને આ કાયમી અને સચોટ નુસખો શોધી કઢાયો છે, જેનાથી હવે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓમાં સુરક્ષાનો અહેસાસ બમણો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.