સરકારી યોજનાઓના ખર્ચના નામે સરપંચ- તલાટીએ ખોટા બિલો બનાવ્યા હતા: 3 વર્ષની કેદ
ર૧ વર્ષ જૂના ઉચાપત કેસમાં સજા ફટકારતી કોર્ટ- પાટણના સરસ્વતી તાલુકાના વઘાસર ગામે પૂર્વ સરપંચ- તલાટીનો કેસ
પાટણ, પાટણના સરસ્વતી તાલુકાના વઘાસર ગ્રામ પંચાયતમાં ર૦૦૪-ર૦૦પ દરમિયાન થયેલી રૂ.પપ,પ૦૦ની ઉચાપતના ર૧ વર્ષ જૂના કેસમાં કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. સરસ્વતી કોર્ટે પૂર્વ સરપંચ અને તત્કાલીન તલાટીને ત્રણ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જે એક પછી એક ભોગવવાનો આદેશ કરાયો છે. આમ દોષિતોને કુલ છ વર્ષની સખત કેદ ભોગવવી પડશે.
સરસ્વતી કોર્ટના ન્યાયાધીશ મેઘાબેન નવધરે એ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ શંકરભાઈ મકવાણા અને તત્કાલીન તલાટી- કમ- મંત્રી ભરતકુમાર પરસોત્તમદાસ સોલંકીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે બંને આરોપીઓને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો અને તેમના જામીન રદ કર્યા હતા.
આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ અને રૂ.રપ૦૦-રપ૦૦ના દંડની સજા ફટકારવામાં આવી છે. જો દંડની રકમ નહી ભરાય તો વધુ ચાર-ચાર માસની સખત કેદ ભોગવવાનો હુકમ કરવામા ંઆવ્યો છે. અદાલતે બંને સજાઓ એક પછી એક ભોગવવાનો આદેશ આપતા દોષિતોને કુલ છ વર્ષની સખત કેદ ભોગવવી પડશે.
ચુકાદામાં નોંધાયેલી વિગતો મુજબ વર્ષ ર૦૦૪ થી ર૦૦પ દરમિયાન વઘાસર ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસ કામો અને સરકારી યોજનાઓના ખર્ચના નામે ખોટાબિલો, બનાવટી વાઉચરો અને રોજમેળમાં ખોટી નોંધો કરીને કુલ રૂ.પપ,પ૦૦ની સરકારી રકમની ઉચાપત કરવામાં આવી હતી. બંને આરોપીઓએ સરપંચ અને તલાટી તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી નાણાંનો ગેરઉપયોગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ફરિયાદના આધારે તાલુકા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરાવી હતી. તપાસ દરમિયાન પંચાયતના રોકડ રોજમેળ, બિલો, વાઉચરો, બેંક રેકોર્ડ, ઠરાવપોથી સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા અને હસ્તાક્ષરની વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવી હતી. આ તમામ પુરાવાઓના આધારે બંને સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં સરકાર પક્ષ તરફથી પબ્લિક પ્રોસિક્યુટર ડી.એમ. ઠકકરએ દસ્તાવેજી અને મૌખિક પુરાવાના આધારે અસરકારક દલીલો રજુ કરી હતી, જેને અદાલતે સ્વીકારી હતી.
જોકે અદાલતે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમના ગુનાના જરૂરી તત્ત્વો ફરિયાદ પક્ષ પુરવાર કરી શકયો નહોતો, તેથી બંને આરોપીઓને આ કલમ હેઠળ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
