Western Times News

Gujarati News

ટ્રકમાં એ.સી. પાર્ટ્‌સની આડમાં ગુજરાતમાં ઘૂસાડાઈ રહ્યો હતો દારૂનો મોટો જથ્થો

અણસોલ ચેક પોસ્ટ પર ટ્રકમાં એ.સી. પાર્ટ્‌સની આડમાં સંતાડેલી દારૂની ૭ર૮૪ બોટલો ઝડપાઈ -પોલીસે દારૂના જથ્થા સાથે રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

શામળાજી, શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે એર કન્ડિશનરના પાર્ટસના કિંમતી સામાનની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

આ કવાયતમાં પોલીસે ૧૮.પ૪ લાખથી વધુની કિંમતનો દારૂ, એક બંધ બોડીની ટ્રક અને રૂ.૧.ર૩ કરોડથી વધુની કિંમતના એસી પાર્ટસ મળીને કુલ રૂ.૧,પ૧,૯ર,૭૮ર/- (એક કરોડ એકાવન લાખથી વધુ)નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ હરિયાણાના આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મનોહરસિંહ જાડેજા દ્વારા બોર્ડર વિસ્તારમાંથી થતી દારૂની હેરાફેરી નાબૂદ કરવા માટે વાહન ચેકિંગની સૂચનાઓ આપવામાં આવી છે. શામળાજી પોલીસની ટીમ અણસોલ ચેકપોસ્ટ પર તૈનાત હતી તે દરમિયાન શામળાજી પી.આઈ એસ.એસ માલને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી આવી રહેલી એક બંધ બોડીની ટ્રકમાં એસી પાર્ટ્‌સના ખાખી બોકસની આડમાં મોટો દારૂનો જથ્થો છુપાવીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને બેરિકેડિંગની મદદથી રોકી લીધી હતી. પોલીસે ટ્રકના ચાલક સુનીલ રાજપાલ જાટ (રહે. હરિયાણા)ની અટકાયત કરીને ટ્રકની તલાશી લીધી હતી. ટ્રકની અંદર તપાસ કરતા ‘સ્ટેટ મીર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ’ના એર કન્ડિશનર પાર્ટસના ૩૮૦ વજનદાર ખાખી બોકસો ભરેલા હતા, જેની આડમાં વિદેશી દારૂની પેટીઓ સંતાડવામાં આવી હતી.

પોલીસે આ તમામ જથ્થો બહાર કઢાવીને ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ર૮૪ પેટીઓ (કુલ ૭,ર૮૪ નંગ બોટલ/ કવાર્ટર) ટીન મળી આવી હતી.

પોલીસે દારૂનો જથ્થો રૂ.૧.ર૩ કરોડની કિંમતનો એસી પાર્ટસનો કાયદેસરનો સામાન, ૧૦ લાખની ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ સહિતનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને દારૂ ભરી આપનાર તેમજ અમદાવાદ ખાતે મંગાવનાર વોન્ટેડ બુટલેગરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને કુલ મુદ્દામાલ રૂ.૧,પ૧,૯ર,૭૮ર/- નો જપ્ત કરી પકડાયેલ આરોપી સુનીલ રાજપાલ ધરમચંદ જાટ (ઉ.વ.૩૦) રહે. સરલ, જી. ભિવાની હરિયાણા)ની અટકાયત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.