Western Times News

Gujarati News

અમદાવાદમાં જીન્સ અને લેડીઝવેરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

AI Image

અમદાવાદ, અમદાવાદમાં વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કાપડની દુકાનમાં નોકરી કરતા કર્મચારીએ સાગરીતો સાથે મળીને લાખો રૂપિયાના લેડીસવેર અને જીન્સની ચોરીને અંજામ આપ્યો હતો.

અમદાવાદ પોલીસે આ મામલે કાગડાપીઠ અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં મદદ કરનાર બે શખસો અને ચોરીનો માલ ખરીદનાર એક વેપારી સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા બાદ થયેલી પૂછપરછમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ચોરાયેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાંથીથયેલી ચોરીમાં લેડીઝ કુર્તી, થ્રી-પીસ અને ટુ-પીસ ડ્રેસના કુલ ૫૮૨ નંગ અને એક મોબાઇલ ફોન મળી આવ્યો છે.

જ્યારે કાલુપુર પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરાયેલા ૪૦૭ નંગ જીન્સ પેન્ટ પણ પોલીસે જપ્ત કર્યા છે. પોલીસે બંને ગુનાઓમાંથી કુલ ૪,૦૯,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે આ કેસમાં ચોરીના માલની હેરાફેરી અને મદદગારી કરનાર દશરથ ઉર્ફે વિવેક બાવરી અને સાહિલ બાવરી (બંને રહે. ઠક્કરબાપા નગર, કૃષ્ણનગર) તેમજ ચોરીનો સસ્તો માલ ખરીદનાર હિરેન પંજાબી (રહે. નાના ચિલોડા)ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

આ સમગ્ર ચોરીનો માસ્ટરમાઇન્ડ અને કાપડની દુકાનમાં જ નોકરી કરતો મુખ્ય આરોપી સંજય હજુ પોલીસ પકડથી દૂર છે. આ ઉપરાંત તેની સાથે ચોરીમાં સામેલ અન્ય સાગરીતો કિશોર સલાટ, વિશાલ સલાટ, ચિરાગ સલાટ અને આકાશ (તમામ રહે. ઠક્કરબાપા નગર) પણ હાલ ફરાર છે. ચોરીમાં મદદ કરનાર અને માલ ખરીદનાર ત્રણેય આરોપીઓ હાલ પોલીસની કસ્ટડીમાં છે.

અમદાવાદ પોલીસે ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી નોકર સંજય અને તેના અન્ય ૪ સાગરીતોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.