Western Times News

Gujarati News

ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની 81મી આવૃત્તિમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મુખ્ય આકર્ષણ બનશે

ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) રીઝનલ સેન્ટર, ગાંધીનગર દ્વારા 12 જુલાઈના રોજ ગુજરાતમાં ત્રણ સ્થળોએ અને રાજસ્થાનમાં એક સ્થળે ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની 81મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતમાં સાઈ (SAI) પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં આ ઈવેન્ટનું આયોજન કરશે, જ્યારે રાજસ્થાનમાં તેનું આયોજન જયપુરમાં કરવામાં આવશે.

વડોદરામાં આ ઈવેન્ટ આઈસીએઆઈ (ICAI) ભવન ખાતે યોજાશે, જ્યારે અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ગાંધીનગરમાં સેક્ટર 16 સ્થિત સ્વર્ણિમ પાર્ક ખાતે તેનું આયોજન કરવામાં આવશે.

રાજસ્થાનમાં, આ સાપ્તાહિક ઈવેન્ટ એસટીસી (STC) જયપુર, વિદ્યાધર નગર સ્ટેડિયમ રોડ, સેક્ટર-9, વિદ્યાધર નગર ખાતે યોજાશે.

આ આવૃત્તિનો ઉદ્દેશ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સમાં ફિટનેસને પ્રોત્સાહન આપવાનો છે અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં આમાં ભાગ લેશે.

બેઠાડુ જીવન જીવતા વ્યાવસાયિકોમાં સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના મહત્વને સ્વીકારીને, ફિટ ઈન્ડિયા ‘સન્ડેઝ ઓન સાયકલ’ની 81મી આવૃત્તિ માટે સીએ (CA’s) ને થીમ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આ ઈવેન્ટ તમામ સ્થળોએ સવારે 6 વાગ્યે શરૂ થશે, જેમાં સાયકલિંગ ઉપરાંત યોગ અને ઝુમ્બા જેવી મનોરંજક પ્રવૃત્તિઓ પણ કાર્યક્રમનો ભાગ બનશે.

ફિટ ઈન્ડિયા ‘સન્ડેઝ ઓન સાયકલ’ની શરૂઆત યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ડિસેમ્બર 2024માં કરવામાં આવી હતી, જેનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) દ્વારા સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI), ઈન્ડિયન રોપ સ્કીપિંગ ફેડરેશન, યોગાસન ભારત, રાહગીરી ફાઉન્ડેશન, માય બાઈક્સ (MY Bikes) અને માય ભારતના સહયોગથી કરવામાં આવે છે. આ સાયકલિંગ ડ્રાઈવ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત સાઈ (SAI) પ્રાદેશિક કેન્દ્રો, નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (NCOEs), સાઈ ટ્રેનિંગ સેન્ટર્સ (STCs), ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (KISCEs) અને ખેલો ઈન્ડિયા કેન્દ્રો (KICs) પર એકસાથે ચલાવવામાં આવે છે. PIB Gujarati


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.