Western Times News

Gujarati News

101 ઓક્સિજન પાર્ક અને 80 નવી AC ઇલેક્ટ્રિક BRTS બસોનું લોકાર્પણ તેમજ સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

અમિત શાહ દહેગામ APMC ખાતે ખેડૂતો માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલ્ડ સ્ટોરેજ અથવા નવીન ડિજિટલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના

મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે રૂ.405 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત 

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  12 જુલાઈ, 2026 રવિવારના રોજ સવારે વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, સોલા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભાના સંસદસભ્ય તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અંદાજિત રૂ.405 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મેયર હિતેશભાઈ બારોટ, પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મહાનુભાવાનો ઘ્વારા હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવશે. એ પછી, AMTS અને BRTSની બસોને ફ્લેગઓફ કરવામાં આવશે.

આ કાર્યક્રમ બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્ક અને હેરિટેજ પાર્કનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે કૂલ રૂ.405 કરોડના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ એ.ઓ.યુ થશે. વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરમાં મોટા પાયે વૃક્ષારોપણ માટેના સહયોગની પણ જાહેરાત કરવામાં આવશે. તેમાં ITC India Ltd., વિશ્વનાથ રીઅલ્ટર્સ, અસોસિએશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અને શિતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા લાખો વૃક્ષોના વાવેતર અને ત્રણ વર્ષ સુધી તેના જતન માટેના સહયોગનો સમાવેશ થાય છે.  મુખ્ય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગોતા ગોધાવી કેનાલ, ભાડજ થલતેજ વોર્ડ, સવન્નાહ પાર્ટી પ્લોટ, સરખેજ, એન.ડી.ડી.બી પ્લોટ, વાડજખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર દ્વારા 101 ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યા છે, જે પૈકીના 62 સ્થળો ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ છે. અમદાવાદ શહેર વિસ્તાર હેઠળ 101 પાર્કોમાં કુલ 9,66,425 ચોરસ મીટર વિસ્તારમાં 22,71,422 છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ 61 પાર્કોમાં કુલ 6,44,522 ચોરસ મીટર વિસ્તારમાં 15,96,300 છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ ઓક્સિજન પાર્કોના મુખ્ય લાભોમાં શહેરમાં હરિયાળી અને વૃક્ષ આવરણમાં વધારો, હવાની ગુણવત્તામાં સુધારો તથા પ્રદૂષણમાં ઘટાડો, શહેરી ગરમી  ઘટાડવામાં સહાય, નાગરિકો માટે વોકિંગ, યોગ, ધ્યાન અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે અનુકૂળ સ્થળોનું નિર્માણ, પક્ષીઓ, પતંગિયા અને અન્ય જીવસૃષ્ટિ માટે કુદરતી આવાસનું સર્જન, બાળકો અને યુવાનોમાં પર્યાવરણ જાગૃતિનો વિકાસ, વરસાદી પાણીના સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જમાં સહાય તેમજ સ્વચ્છ, હરિયાળું અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, 101 ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ પૈકી 45 પાર્કમાં કીડ્ઝ પ્લે એરીયા અને 19 પાર્કમાં રમત-ગમતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

13 જુલાઈએ ગાંધીનગર અને દહેગામ એપીએમસીમાં કાર્યક્રમો
પોતાના પ્રવાસના અંતિમ ચરણમાં 13 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગર જિલ્લાના પ્રવાસે રહેશે. ગાંધીનગરમાં સ્થાનિક સત્તામંડળો સાથે બેઠક કરી તેઓ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે અને પાટનગરના નાગરિકો માટે નવી સુવિધાઓનું લોકાર્પણ કરશે. ત્યારબાદ, તેઓ દહેગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ના એક ભવ્ય જાહેર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

સહકાર મંત્રી તરીકે અમિત શાહ દહેગામ એપીએમસી ખાતે ખેડૂતો માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલ્ડ સ્ટોરેજ અથવા નવીન ડિજિટલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે. દહેગામ ખાતે યોજાનારી આ જાહેરસભામાં મોટા પાયે સહકારી અગ્રણીઓ અને ગ્રામીણ જનતા ઉમટી પડશે, જેને લઈને અત્યારથી જ વહીવટી તજવીજ પૂર્ણ કરી લેવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.