Western Times News

Gujarati News

ગટરની સફાઈમાં કામદારોના મોત મામલે હાઇકોર્ટ લાલઘૂમ, સરકારને પૂછ્યું- પ્રતિબંધના કાયદાનો અમલ કેમ નહીં?

(એજન્સી)અમદાવાદ, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ગટર સફાઈ દરમિયાન ૨ સફાઈ કામદારોના ગૂંગળામણથી મોત થયા હતા. આ કરુણ મોતના મામલાની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. રાજ્યભરમાં ગટરમાં મશીનના બદલે માણસોને ઉતારીને સફાઇ કરાવવાની પ્રથા સામે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન આ ઘટના કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી.

હાઇકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા સરકાર પાસે જવાબ માગ્યો છે કે અત્યાર સુધી આવા બનાવોમાં જવાબદારો સામે કેટલી FIR નોંધવામાં આવી છે? તેની વિગતો કોર્ટે માગી છે.  સુનાવણી દરમિયાન અરજદાર સુબ્રમણ્યમ ઐયરે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, સરકાર કોર્ટમાં એવી રજૂઆતો કરે છે કે ગટર સાફ કરવા માટે આધુનિક મશીનરી ખરીદવામાં આવી રહી છે.

પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ ગટર સફાઇ માટે માણસોને જ અંદર ઉતારવા માટે ફરજ પાડવામાં આવે છે. તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બનેલી આ ઘટના તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, સરકાર કેટલા મશીન ખરીદ્યા તેના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરે છે તેનો મતલબ જ શું છે જો જમીની હકીકત બદલાતી ન હોય?

માનવ ગરિમા  દ્વારા કરવામાં આવેલી આ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે તમામ રજૂઆતોને સોગંદનામા પર રજૂ કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે આ પ્રકારના જેટલા પણ બનાવો બન્યા છે, તે તમામ સ્થળોએ બેદરકારી દાખવનારા જવાબદારો સામે કેટલી હ્લૈંઇ નોંધાઈ છે તેની સ્પષ્ટ વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. આ મામલે વધુ સુનાવણી હવે ૧ મહિના બાદ મુકરર કરવામાં આવી છે.

અગાઉની સુનાવણી દરમિયાન પણ હાઈકોર્ટે સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકાર અમુક પીડિતોને વળતર આપે અને અમુકને છોડી દે તે બિલકુલ ન ચલાવી લેવાય. કોર્ટે સરકાર પાસે એવો જવાબ પણ માગ્યો હતો કે, વર્ષ ૨૦૧૩ ના પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ (માણસ દ્વારા ગટર સફાઈ પર પ્રતિબંધનો કાયદો) હોવા છતાં તેનો ચુસ્ત અમલ કેમ કરવામાં નથી આવી રહ્યો?

નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૬ માં હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામતા દરેક સફાઈ કામદારના પરિવારને રૂ.૧૦ લાખનું વળતર ચૂકવવામાં આવે. હાઇકોર્ટે સરકાર પાસેથી બાકી રહેલી વળતરની ચૂકવણી અંગેનો વિગતવાર અહેવાલ પણ માગ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.