Western Times News

Gujarati News

સ્વિગી ઇન્સ્ટામાર્ટ પર એક્સપાયર અને બગડેલી ખાદ્ય સામગ્રી વેચવાનો ગંભીર આક્ષેપ: FSSAIએ 9 નોટિસ ફટકારી

ગ્રાહકોની ફરિયાદો બાદ FSSAI એ સ્વિગી ઇન્સ્ટામાર્ટને ૯ નોટિસ ફટકારી

  • FSSAI એ ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વિગી ઇન્સ્ટામાર્ટને નોટિસ ફટકારી.-નિયત સમયમાં ખુલાસો નહીં અપાય તો કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.
  • લાયસન્સ વગર કથિત રીતે ઇંડાની બ્રાન્ડ વેચવા બદલ નિર્દેશ અપાયા. ગ્રાહકોની ફરિયાદ બાદ પણ કંપનીએ કોઈ સુધારાત્મક પગલાં ન લીધા.

નવી દિલ્હી, ૧૨ જુલાઈ (IANS): ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ગ્રાહકોની ફરિયાદોના આધારે સ્વિગી ઇન્સ્ટામાર્ટ (Swiggy Instamart) ને વિવિધ ઉલ્લંઘનો બદલ નવ નોટિસ પાઠવી છે, તેમ ખાદ્ય નિયામકે શનિવારે જણાવ્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા FSSAI એ જણાવ્યું કે, ફરિયાદોમાં ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા એક્સપાયર થયેલી (મુદત પૂરી થયેલી), બગડેલી, સડી ગયેલી, દૂષિત અને અન્યથા અસુરક્ષિત ખાદ્ય ચીજોની સપ્લાય કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

મુખ્ય અવલોકનોમાં નિયામકે જણાવ્યું હતું કે, ઇંડાનું વેચાણ કથિત રીતે એવા બ્રાન્ડ નેમ હેઠળ કરવામાં આવી રહ્યું હતું જે હાલના FSSAI લાયસન્સમાં મંજૂર કરાયેલી પ્રોડક્ટ કેટેગરીમાં સામેલ નહોતું. ફૂડ બિઝનેસ ઓપરેટર (FBO) ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી પ્રોડક્ટ માન્ય લાયસન્સ હેઠળ ન આવે ત્યાં સુધી તેનું વેચાણ ન કરવું અને જો જરૂર હોય તો લાયસન્સમાં સુધારા માટે અરજી કરવી.

આ નોટિસમાં એવી ફરિયાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં આક્ષેપ કરાયો છે કે ‘Healthify 100 per cent Whey Protein 1 kg’ અને ‘Noice Homestyle Madras Mixture with Peanuts’ જેવી પ્રોડક્ટ્સ તેમની એક્સપાયરી ડેટ (મુદત પૂરી થયા) પછી સપ્લાય કરવામાં આવી હતી.

અન્ય એક કિસ્સામાં, ‘અક્ષયકલ્પ ઓર્ગેનિક એગ’ એક્સપાયર થયેલું, સડી ગયેલું, દુર્ગંધ મારતું અને દૂષિત હોવાના ચિહ્નો સાથે મળી આવ્યું હતું, જે માનવ વપરાશ માટે અયોગ્ય હતું. તેવી જ રીતે, ‘કાકે દા પરાઠા’ પણ બગડેલા અને દુર્ગંધ મારતા મળી આવ્યા હતા, જે ખાવા માટે અયોગ્ય હતા.

FSSAI એ એમ પણ જણાવ્યું હતું કે ફરિયાદ આગળ વધારવા છતાં ફૂડ બિઝનેસ ઓપરેટર (FBO) દ્વારા કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શિશુ આહાર (ઇન્ફન્ટ ફૂડ) બગડેલી અને અસુરક્ષિત હાલતમાં મળી આવ્યો હતો અને ખામીયુક્ત પ્રોડક્ટ પરત કર્યા પછી પણ ગ્રાહકોને ફરીથી એ જ સપ્લાય કરવામાં આવી હતી.

દરમિયાન, નિયામકે ફૂડ બિઝનેસ ઓપરેટરને કથિત બિન-પાલન અને આવી ઘટનાઓ પાછળના સંજોગો અંગે વિગતવાર ખુલાસો સબમિટ કરવા નિર્દેશ આપ્યો છે. કંપનીની ખાદ્ય સુરક્ષા પ્રણાલી, ગુણવત્તા ખાતરીના પગલાં, સુધારાત્મક પગલાં અને આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે લેવાયેલા પગલાંની વિગતો પણ માંગવામાં આવી છે.

FSSAI એ કંપનીને નિયત સમયગાળામાં જરૂરી ખુલાસો અને પાલન અહેવાલ (કોમ્પ્લાયન્સ રિપોર્ટ) રજૂ કરવા નિર્દેશ આપ્યો છે, તેમ ન કરવામાં આવશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.