94 વર્ષ જૂની જર્જરિત પાંચકુવા ચોકીનું પોલીસ કમિશનરના હસ્તે ઉદ્ઘાટન
અમદાવાદ, શહેરના ભૌગોલિક અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા એવા કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઐતિહાસિક પાંચકુવા પોલીસ ચોકી હવે નવા રંગરૂપ સાથે સજ્જ થઈ ગઈ છે. કાલુપુર પોલીસ સ્ટેશન અંતર્ગત પાંચકૂવા દરવાજા નજીક આવેલી આ નવીન પોલીસ ચોકીનું શહેર પોલીસ કમિશનરના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચકૂવા દરવાજા નજીકની આ પોલીસ ચોકી વર્ષ 1932 માં બનાવવામાં આવી હતી. 94 વર્ષ જેટલી જૂની આ ચોકી સમય જતાં અત્યંત જર્જરિત થઈ ગઈ હતી. જેના કારણે આ જૂની ઇમારતને સંપૂર્ણપણે તોડી પાડીને તેના સ્થાને એક અત્યાધુનિક અને સુવિધાજનક નવીન પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ નવીન પોલીસ ચોકીની ખાસિયત એ છે કે, તેનું નિર્માણ માત્ર સરકારી ગ્રાન્ટમાંથી નહીં, પરંતુ પોલીસ વિભાગ ઉપરાંત સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા કરાયેલી નાણાંકીય સહાય એટલે કે ‘જનભાગીદારી’થી કરવામાં આવ્યું છે. જે પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત સમન્વયનું પ્રતીક પૂરું પાડે છે.
સુરક્ષા વ્યવસ્થા થશે વધુ મજબૂત
સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી છે. આ નવી ચોકી પર એક જ સમયે 5 પીએસઆઈ સહિત કુલ 20 પોલીસ કર્મીઓ 24 કલાક ફરજ પર હાજર રહેશે. આ ઉપરાંત, આ જ નવીન ઇમારતમાં કાલુપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ પણ કાર્યરત કરવામાં આવી છે, જેનાથી વિસ્તારમાં ગુનાખોરી નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મોટી મદદ મળશે.
આ પણ વાંચો – Ahmedabad News : શહેરમાં પહેલા જ વરસાદમાં રોડની ગુણવત્તા નબળી, રસ્તાઓ પર બે હજારથી વધુ ખાડા પડ્યા
