Western Times News

Gujarati News

નજીવી રકમની લેતી-દેતીમાં હત્યા: પોલીસે ત્રણેય હત્યારાઓને ઝડપી લીધા

AI Image

Surat: ડિંડોલીમાં મિત્રતામાં ઉધાર આપેલા 5,000 પરત માંગવા જતા ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો હત્યા સુધી પહોંચ્યો

સુરતમાં નાની-નાની બાબતો અને નજીવી રકમની લેતી-દેતીમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ વધતા જાય છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં રૂપિયા 5,000ની ઉઘરાણી મામલે એક યુવકની ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં મૃતક રાજ દુબેએ આરોપીઓને અગાઉ મિત્રતાના દાવે રૂપિયા 5,000 ઉધાર આપ્યા હતા. આ રકમ લાંબા સમયથી પરત ન મળતા રાજે આરોપીઓ પાસે પોતાના પૈસાની માંગણી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલા વિગત મુજબ, રાજ દુબે જ્યારે પોતાના 5,000પરત માંગી રહ્યો હતો, ત્યારે આરોપીઓ પૈસા આપવા મુદ્દે આનાકાની કરી રહ્યા હતા. આ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. બોલાચાલી દરમિયાન આવેશમાં આવી ગયેલા આરોપીઓએ રાજ દુબે પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે રાજ દુબેનું મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટનાને અંજામ આપીને ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

જાહેરમાં થયેલી આ હત્યાની ઘટનાને પગલે ડિંડોલી પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને અલગ-અલગ ટીમો બનાવી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના મુખ્ય ત્રણેય આરોપીઓ જયેશ વૈષ્ણવ, હિતેશ કટિયારે અને પ્રશાંત શિંદેને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે કે આ હત્યામાં અન્ય કોઈ હથિયારનો ઉપયોગ કરાયો હતો કે કેમ, અને તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.