આંગણવાડીમાં છેલ્લા પાંચ વર્ષથી આરઓ મશીન બંધ હાલતમાં !
પ્રતિકાત્મક
કુપોષણને રોકવા માટે બનાવાયેલી આંગણવાડીઓમાં પાણીની ટાંકીઓ છે તે પણ સમયસર સાફ કરાવાતી નથી ઃ પાણીજન્ય રોગચાળાનો ભય
અમદાવાદ, કુપોષણના મામલે ગુજરાત રાજ્યનુ નામ ચગ્યા બાદ અમદાવાદ સહિત રાજ્યભરની સ્લમ વસ્તીમાં ગરીબ બાળકો અને સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર આપવા સહિતની દરકાર લેવા માટે લાખો કરોડો રૂપિયાનાં ખર્ચે આંગણવાડીઓ બનાવવામાં આવી છે, પરંતુ અમદાવાદ શહેરની આંગણવાડીઓમાં લગાવાયેલાં પાણી શુદ્ધ કરવાના આર.ઓ. મશીન જ પાંચ વર્ષથી બંધ હાલતમાં પડ્યા છે અને પાણીની ટાંકીઓ પણ સમયસર સાફ થતી નથી તેવો ધડાકો મ્યુનિ.ની મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટીની બેઠકમાં થવા પામ્યો છે.
મ્યુનિ.ની મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટીની પ્રથમ જ બેઠકમાં ચેરમેન ડિમ્પલ વરિન્દાની તથા અન્ય સભ્યોએ શહેરમાં કેટલી આંગણવાડી, તેના સંચાલન અને પોષણયુક્ત આહાર, તેની વ્યવસ્થા, પાણી, ટોયલેટ વગેરે બાબતોની પૃચ્છા કરી જાણકારી મેળવી હતી. તેમાં એવી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.કમિટીની બેઠક બાદ મહિલા ચેરમેને કહ્યું કે, શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં કુપોષણ ડામવા માટે ૨૧૨૮ આંગણવાડી કાર્યરત છે. જ્યાં પીવાનુ શુદ્ધ પાણી પૂરૂ પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૧૭-૧૮માં ત્રણ વર્ષની મેઇન્ટેનન્સની જોગવાઇ સાથે આર.ઓ. મશીન પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ કોઇ એજન્સીને આપવામાં આવ્યો હતો. જોકે આ કોન્ટ્રાક્ટ તો વર્ષ ૨૦૨૦-૨૧માં પૂરો થઇ ગયો હતો.
કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયાં બાદ આંગણવાડીનુ સંચાલન કરતાં અધિકારીઓની બેદરકારીનાં કારણે નવેસરથી કોઇ કોન્ટ્રાક્ટ કરાયો નહોતો અને મશીનો પણ સર્વિસ વગેરેનાં અભાવે ખરાબ થઇ ગયાં છે. તદઉપરાંત નિયમ મુજબ ચોમાસા પહેલાં પાણીની ટાંકીઓની સફાઇ કરાવવી જરૂરી હોય છે, પરંતુ મોટાભાગની આંગણવાડીની પાણીની ટાંકી કોઇએ સાફ કરાવવાની તસ્દી લીધી નથી તે જોતાં ગરીબ વસતિનાં બાળકો તેમજ સગર્ભા મહિલાઓને પાણીજન્ય રોગચાળામાં સપડાવુ પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.જોકે અધિકારીઓએ આ ગંભીર બેદરકારીનો સ્વીકાર કર્યાે તે પછી ચેરમેને જે આંગણવાડીઓમાં જૂના બંધ આર.ઓ હોય તે કાઢી તેની જગ્યાએ નવા આર.ઓ. લગાવવા માટે દરખાસ્ત તૈયાર કરી લાવવા સૂચના આપી હતી.
તદઉપરાંત નવી આંગણવાડીઓમાં કોર્પાેરેટર સોશિયલ રિસ્પોન્સીબિલિટી (સીએસઆર) અંતર્ગત આર.ઓ.પ્લાન્ટ લગાવવામાં આવે છે તે માટે પણ દરખાસ્તો તૈયાર કરવા સૂચના આપી હતી. આ સિવાય ચેરમેને તમામ આંગણવાડીની પાણીની ટાંકીઓ પંદર દિવસમાં સાફ કરાવાની નાખવાની તાકીદ કરવાની સાથે ટાંકી સફાઇનું શિડ્યૂલ બનાવી કમિટીમાં રજૂ કરવાની સૂચના આપી હતી.ચેરમેને અધિકારીઓને સુણાવતાં કહ્યું કે, આંગણવાડીઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓ બાળકો અને વાલીઓ સાથે ગેરવર્તન કરતાં હોવાની ફરિયાદો વધી છે, જે કોઇ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં અને દરેક આંગણવાડીમાં સીસીટીવી કેમેરા પણ લગાવવા જરૂરી બન્યા છે.SS1
