ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં ૯ વર્ષની બાળકી સહિત ૫ માર્યા ગયા
ઈઝરાયેલના સૈન્ય દ્વારા પણ ગાઝામાં હુમલો કર્યાનો સ્વીકાર કરાયો
૧૦ ઓક્ટોબર-૨૦૨૫ના રોજ શસ્ત્રવિરામ અમલમાં આવ્યા બાદ ઈઝરાયેલના હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો
દેર અલ-બલાહ, ઈઝરાયેલના સૈન્ય રવિવારે ગાઝામાં કરેલા ભીષણ હુમલામાં ૯ વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા પાંચ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.શિફા હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગાઝા સિટીના સાબ્રા વિસ્તારમાં એક લોખંડના કારખાના પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.
ઈઝરાયેલના સૈન્ય દ્વારા પણ આ વિસ્તારમાં હુમલો કર્યાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રવિવારે મધ્ય ગાઝામાં આવેલી એક શરણાર્થી શિબિરમાં ઈઝરાયેલના ફાયરિંગમાં ૯ વર્ષની તાલા અબુ મતર નામની બાળકીનું મોત થયું હતું. જોકે, ઈઝરાયેલની સેનાએ આ ઘટના વિશે કોઈ પ્રકારની માહિતી આપી નથી. ઉલ્લેખનીય છે કે, ૧૦ ઓક્ટોબર-૨૦૨૫ના રોજ શસ્ત્રવિરામ અમલમાં આવ્યા બાદ ઈઝરાયેલના હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ હુમલાઓ અટક્યા નથી.
યુદ્ધવિરામ પછી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧,૦૯૮ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે, જેમાં ૨૬૦ થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન પાંચ ઈઝરાયેલી સૈનિકો પણ માર્યા ગયા છે. જોકે, આ યુદ્ધમાં કુલ પેલેસ્ટિનના ૭૩,૨૨૧ નાગરિકોના મોત થયા છે.SS1
