Western Times News

Gujarati News

દાણીલીમડામાં ચોરીની શંકાએ છ શખ્સે સગીરને માર મારી વાળ કાપ્યા

પ્રતીકાત્મક

દાણીલીમડામાં ચોરીની શંકાએ કારખાનામાં મોડી રાતે સગીર શૌચક્રિયા કરવા ગયો હતો ઃ સગીરની માતાની ફરિયાદ બાદ પોલીસે કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો

છ શખ્સે સગીરના હાથપગ બાંધી માર મારી વાળ કાપ્યા

અમદાવાદ,દાણીલીમડામાં ચોરીની શંકાએ છ શખ્સે સગીરને તાલિબાની સજા આપી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. કારખાનામાં શૌચક્રિયા કરવા ગયેલા સગીરને ચોરીની શંકાએ પ્રથમ હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ વાળ કાપવાના રેઝર વડે સગીરના માથાના વાળ કાપી નાખ્યા હતા. આ મામલે સગીરે તેની માતાને આપવીતી જણાવતા, માતાએ કારખાનામાં કામ કરતા મોહમ્મદ આમીર મોહમ્મદ હાજીમલંગ શેખ તથા અન્ય કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દાણીલીમડામાં બોમ્બે હોટલ પાસે રહેતી ૪૮ વર્ષીય સાયેદા પઠાણ છેલ્લા એક વર્ષથી બાબુહસન સૈયદના મકાનમાં તેના પાંચ સંતાન સાથે રહે છે અને ઘરમાં જ નાનો પાનનો ગલ્લો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાના પતિ મુંબઈમાં હાજીઅલીની દરગાહ નજીક ચેઈન-વીંટીનો પથારો લગાવીને વ્યવસાય કરે છે. ગત શનિવારની મોડી રાતે મહિલા તેના ઘરે હાજર હતી અને તેનો સગીર વયનો પુત્ર રાબીયા એસ્ટેટની બહાર રિક્ષામાં સૂતો હતો. રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ મહિલાનો પુત્ર શૌચક્રિયા કરવા માટે રાબીયા એસ્ટેટમાં આવેલા સિલાઈ મશીનના કારખાનાના શૌચાલયમાં ગયો હતો.

ત્યારે કારખાનામાં કામ કરતા કર્મચારીઓને કોઈ ચોરી કરવા આવ્યું હોવાની શંકા થઇ હતી. આથી તેમણે સગીરને પકડી લીધો અને એક જગ્યાએ બેસાડી દીધો હતો. બાદમાં એક શખ્સ આવ્યો અને સગીર પર બેસી ગયો તથા તેના હાથ અને પગ કપડાથી બાંધી દીધા હતા. તેણે સગીરને કહ્યું કે, “તું કારખાનામાં ચોરી કરવા આવેલો છે.” એટલામાં બીજા છ વ્યક્તિ આવી પહોંચ્યા અને સગીરને માર મારવા લાગ્યા હતા. આ પૈકી એક વ્યક્તિએ સગીરને સુવાડી દીધો અને તેની ઉપર બેસીને માથું પકડી રાખ્યું હતું.

આ દરમિયાન ટોળામાં રહેલા શખ્સોમાંથી એક દાઢી કાપવાનું રેઝર લઈને આવ્યો અને સગીરના વાળ કાપી નાખ્યા હતા. આ સમગ્ર વાત જ્યારે સગીરે તેની માતાને કરી, ત્યારે માતા મોડી રાતે પુત્રને લઈને કારખાનામાં ગઈ હતી. ત્યાં મોહમ્મદ આમીર મોહમ્મદ હાજીમલંગ શેખ તથા તેની સાથે કામ કરતા અન્ય છ શખ્સ હાજર હોવાથી મહિલા પરત ફરી હતી. મહિલાએ પોતાના પુત્ર સાથે બનેલી આ ઘટના અંગે ફરિયાદ નોંધાવતા દાણીલીમડા પોલીસે મોહમ્મદ આમીર મોહમ્મદ હાજીમલંગ શેખ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.